મોતીના હારનો અસ્વીકાર (લાઇફ કા ફન્ડા)

Published: 2nd October, 2012 06:01 IST

પેશ્વાઈ રાજકુમાર માધવરાવ પાસે રામો નામનો એક યુવાન બ્રાહ્મણ નોકર હતો.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


પેશ્વાઈ રાજકુમાર માધવરાવ પાસે રામો નામનો એક યુવાન બ્રાહ્મણ નોકર હતો.

એક વખત તે પેશ્વાના કાનમાં લટકતી મોતીની વાળી સામે મુગ્ધ્ા નયને જોઈ રહ્યો હતો. માધવરાવે તેને મીઠાશથી પૂછ્યું, ‘શું જુએ છે?’

રામાએ શાંતિથી ભોળાભાવે સાચું જ કહ્યું કે ‘તમારી મોતીની વાળી જોઉં છું. આવી મોતીની વાળી મારી પાસે હોય તો કેવું સારું એમ વિચારું છું.’

માધવરાવ રામાની નિખાલસ વાત સાંભળી હસવા લાગ્યા અને પછી બોલ્યા, ‘ગાંડા! આ વાળી બધાથી ન પહેરાય. આવી મોતીની સુંદર વાળી તને ન શોભે. એ પહેરવા લાયક બનવું પડે. મોતીની વાળી રાજવંશીને શોભે, શ્રીમંતને શોભે, વીરને શોભે કે પછી વિદ્વાનને શોભે; સમજ્યો?’

રામાના મનમાં માધવરાવની વાત રમતી રહી. પોતે રાજવંશી તો હતો નહીં, શ્રીમંત પણ નહોતો અને શ્રીમંત કે વીર બનવાની તેનામાં તાકાત પણ નહોતી. તેથી ખૂબ જ વિચારો બાદ તેણે વિદ્વાન બનવાનો નિર્ણય કર્યો.

કોઈને કંઈ જ જણાવ્યા વિના તે કાશી ભણવા ચાલ્યો ગયો. કાશી જઈ વરસો સુધી સતત પરિશ્રમ અને સખત જહેમતથી રાત-દિવસ અધ્યયન કરી તે વિદ્વાન બન્યો.

વરસો બાદ પેશ્વાના દરબારમાં વિદ્વાનોનો વાદવિવાદ ગોઠવાયો હતો. તેમાં વિજયી બનનારને અત્યંત કીમતી મોતીઓનો એક હાર ઇનામમાં આપવાનો હતો.

વાદવિવાદ શરૂ થયો અને અનેક વિદ્વાનોની વચ્ચે કાશીથી આવેલો અજાણ્યો વિદ્વાન વાદવિવાદ સ્પર્ધા જીતી ગયો.

હવે પેશ્વા બની ગયેલા રાજકુમાર માધવરાવે વિદ્વાનનું સન્માન કરવા અને ઇનામ આપવા હાર મંગાવ્યો અને જેવા પેશ્વા હાથ લંબાવી હાર પહેરાવવા જાય છે ત્યાં વિદ્વાન બોલ્યો, ‘મહારાજ, હવે તો હું મોતીને લાયક થયો છુંને?’

માધવરાવ તરત જ પોતાના જૂના નોકર રામાને ઓળખી ગયા અને ઊભા થઈ તેની ડોકમાં હાર પહેરાવવા હાથ લંબાવ્યા.

રામાએ તેમના હાથ પકડી લઈ કહ્યું, ‘મહારાજ, પણ હું એવો વિદ્વાન નથી જેનામાં મોતીની ભૂખ બાકી રહી હોય.’ તેણે માનપૂર્વક પેશ્વાના હાથમાં હાર પાછો મૂક્યો.

માધવરાવ રામાની કિંમત સમજી ગયા. તેમણે તેને પુનાનો સરન્યાયાધીશ નિયુક્ત કર્યો. એક વખતનો રામો પ્રખ્યાત રામશાસ્ત્રી ન્યાયાધીશ બન્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK