ક્ષમાયાચના (લાઇફ કા ફન્ડા)

Published: 28th September, 2012 06:31 IST

મહારાષ્ટ્રના એક અગ્રગણ્ય માસિકનો દિવાળી અંક તૈયાર થઈ રહ્યો હતો. સામયિકના સંપાદકે દિવાળી આવતાં પહેલાં ચાર મહિના અગાઉ લેખકોને આમંત્રણ પણ મોકલી આપ્યાં હતાં.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

મહારાષ્ટ્રના એક અગ્રગણ્ય માસિકનો દિવાળી અંક તૈયાર થઈ રહ્યો હતો. સામયિકના સંપાદકે દિવાળી આવતાં પહેલાં ચાર મહિના અગાઉ લેખકોને આમંત્રણ પણ મોકલી આપ્યાં હતાં.

દિવાળી અંક પૂર્ણ થવાની અણી પર આવ્યો છતાં એક નામાંકિત વાર્તાકારની વાર્તા ન આવી. વારંવાર વાર્તા મોકલાવવાની યાદ દેવડાવી છતાં વાર્તા ન આવી. એક દિવસ અકળાઈને ઑફિસના માણસને જ ત્યાં મોકલ્યો.

થયું એવું કે સંપાદકનો માણસ લેખક મહાશયને ઘેર ગયો ત્યારે વિષાદઘેરું વાતાવરણ હતું. લેખકનો લાડમાં ઊછરેલો દીકરો એ જ દિવસે સ્વર્ગવાસ પામ્યો હતો. તેની અંતિમ વિધિ પતાવી થોડી જ વાર પહેલાં સ્મશાનથી સૌ પાછા આવ્યા હતા.

આ બધાથી અજાણ અને ચિઠ્ઠીના ચાકર જેવા સંપાદકના માણસે લેખકના હાથમાં સંપાદકનો વાર્તાની ઉઘરાણી કરતો પત્ર મૂકી દીધો.

ઘડીભર તો તેમને થયું કે પુત્રના સ્વર્ગવાસના સમાચાર સંપાદકને આપી વાર્તા નહીં મોકલી શકાય એમ કહી દઉં. પણ લેખકનો અંતરાત્મા કોરી ખાવા લાગ્યો કે ‘મેં અત્યાર સુધી વાર્તા ન આપી. પુત્રનો સ્વર્ગવાસ તો આજે થયો છે, અગાઉ જ્યારે મારી પાસે ઘણો સમય ફાજલ હતો ત્યારે વાર્તા ન મોકલી એ મારો વાંક; મારો પ્રમાદ કહેવાય.’

લેખકે સંપાદકના માણસને માત્ર એટલું જ કહ્યું, ‘સાંજે આવીને વાર્તા લઈ જજો.’ ત્યાર બાદ પુત્રમૃત્યુનો શોક હૈયામાં ધરબીને લેખક પોતાના રૂમમાં સરસ વાર્તા લખવા બેઠા. સતત ચાર કલાક સુધી તેમની કલમ ચાલી. તેમણે સુંદર વાર્તા લખી.

દિવાળી અંકમાં પ્રગટ થયેલી તેમની વાર્તા વાચકોને ખૂબ ગમી. વિવેચકોએ વખાણી.

જ્યારે સંપાદકને સત્ય હકીકતની જાણ થઈ કે લેખકશ્રીએ વાર્તા પુત્ર મૃત્યુ પામ્યાના દિવસે જ લખીને આપી છે ત્યારે તેમને સખેદાશ્ચર્ય થયું.

પોતાની વાર્તાની ઉઘરાણી અવિનયી લાગી એટલે તેઓ લેખકની માફી માગવા તેમના ઘરે ગયા અને ખૂબ-ખૂબ માફી માગી. લેખકે કહ્યું, ‘માફી તમે શું કામ માગો છો? ભૂલ મારી હતી. તમે તો ચાર મહિનાથી વાર્તા મગાવી હતી. હું જ આળસમાં મોકલી ન શક્યો. માફી મારે માગવાની હોય.’

‘ત્રિકાળ’ નામના સામયિકના સંપાદક કરંદિકરે વાર્તા મગાવી હતી. લેખક હતા ય. ગો. જોષી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK