ગાયિકાની દિલાવરી (લાઇફ કા ફન્ડા)

Published: 27th September, 2012 06:03 IST

ફ્રાન્સમાં એક મહાન ગાયિકા થઈ ગઈ. તેનું નામ મેબ્રિબોન. ખૂબ જ લોકપ્રિય ગાયિકા. તેની સંગીત સભા-કાર્યક્રમમાં હકડેઠઠ માણસો ઊમટે. પૈસાની રેલમછેલ થાય. ટિકિટો મોં માગ્યા ભાવે વેચાય.(લાઇફ કા ફન્ડા  - હેતા ભૂષણ)


ફ્રાન્સમાં એક મહાન ગાયિકા થઈ ગઈ. તેનું નામ મેબ્રિબોન. ખૂબ જ લોકપ્રિય ગાયિકા. તેની સંગીત સભા-કાર્યક્રમમાં હકડેઠઠ માણસો ઊમટે. પૈસાની રેલમછેલ થાય. ટિકિટો મોં માગ્યા ભાવે વેચાય.

આ લોકપ્રિય ગાયિકા રોજ ચાહકોને મુલાકાત આપે. એક દિવસ તેણે નોકરને સૂચવ્યું, ‘બસ, હવે કોઈ મુલાકાતીને અંદર ન મોકલતો. જે હોય તે બધાને કહે કે કાલે આવે.’

નોકર બોલ્યો, ‘હવે એક જ મુલાકાતી બાકી છે. બીજા બધા મુલાકાતીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. હવે એક નાનો ગરીબ છોકરો જ માત્ર તમને મળવાની જીદ લઈને બેઠો છે. તેને કહું છું કાલે આવે.’

ગાયિકાએ કહ્યું, ‘ના, ના. તેને પાછો ન મોકલ. અહીં અંદર મારી પાસે મોકલ.’

એક નાનકડો છોકરો અંદર આવ્યો.

ગાયિકાએ પૂછ્યું, ‘તારું નામ શું છે બેટા?’ છોકરાએ જવાબ આપ્યો, ‘પિયરે.’

‘વાહ! કેવું સુંદર નામ છે! બોલ, તું શા માટે મળવા આવ્યો છે મને? તને મારું શું કામ પડ્યું?’ ગાયિકાએ પૂછ્યું.

છોકરો બોલ્યો, ‘આપને એક વિનંતી કરવી છે. મારી મા બીમાર છે. અમારી પાસે પથ્ય ખોરાક કે દવા માટે પૈસા નથી, પણ હું પૈસા માગવા નથી આવ્યો. મેં એક નાની કવિતા બનાવી છે. આપ એ કવિતા આપને ગમે તો સંગીત કાર્યક્રમમાં ગાજો અને એ પછી જો તમને ઠીક લાગે તો મને તમે ઠીક સમજો એટલા પૈસા આપજો. આટલી મદદ કરશો તો તમારો ઉપકાર કદી ભૂલીશ નહીં.’

ગાયિકાએ કવિતા હાથમાં લીધી. વાંચી. તેને કવિતા બેહદ પસંદ પડી ગઈ. તેણે કિશોરને કહ્યું, ‘હું ચોક્કસ આ કવિતા ગાઈશ અને તારું ઠેકાણું આપ, હું તારી માને મળવા આવીશ.’

બીજા જ દિવસે ગાયિકાએ કરુણ સ્વરે પિયરેની કવિતા સંગીત સભામાં ગાઈ. આ કવિતા સાંભળી પ્રેક્ષકોની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં.

સંગીત સભામાંથી મેબ્રિબોનને જે પૈસા મળ્યાં એ બધા જ પૈસા લઈને તે પિયરેના ઘરે ગઈ. તેની માંદી માનાં ચરણે બધા પૈસા મૂકીને તે બોલી, ‘મા; સત્ય, સ્વમાન અને મહેનતના માર્ગે ચાલનાર આપના બાળકનું જ આ બધું છે. આ પૈસા પર તેનો અધિકાર છે. આ પૈસાનો સ્વીકાર કરો ને ઇલાજ કરાવો.’

મહાન ગાયિકાની લાગણી અને પોતાના પુત્રની આવડત-ખાનદાની જોઈ માતા ગદ્ગદ બની ગઈ. પિયરેની આંખોમાં પણ આંસુ ઊભરાયાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK