હાસ્યકારની વાત (લાઇફ કા ફન્ડા)

Published: 24th September, 2012 05:54 IST

એક હાસ્યનો કાર્યક્રમ હતો. હાસ્યદરબારમાં અનેક હાસ્યકારો પોતાના જુદા-જુદા ટુચકાઓ રજૂ કરતા હતા અને પ્રેક્ષકગણ પેટ પકડીને હસતો હતો. મંચ પર એક પછી એક હાસ્યકારો આવતા જતા હતા અને હાસ્યની છોળો ઊડતી હતી.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક હાસ્યનો કાર્યક્રમ હતો. હાસ્યદરબારમાં અનેક હાસ્યકારો પોતાના જુદા-જુદા ટુચકાઓ રજૂ કરતા હતા અને પ્રેક્ષકગણ પેટ પકડીને હસતો હતો. મંચ પર એક પછી એક હાસ્યકારો આવતા જતા હતા અને હાસ્યની છોળો ઊડતી હતી.

એક નવાસવા હાસ્યકારનું નામ બોલાયું. તે સ્ટેજ પર આવ્યો. યુવાન હાસ્યકલાકાર હતો. અનુભવ ઓછો, પણ રજૂઆત ધારદાર અને ટુચકાઓ પણ નવા-નવા. શ્રોતાગણને મજા પડી ગઈ. એક પછી એક ટુચકા બાદ ‘વન્સ મોર, વન્સ મોર’ના પોકારો થવા લાગ્યા. લોકોને બહુ હસાવી તે હાસ્યકાર બેસી ગયો.

થોડી વાર પછી ઇન્ટરવલ પડ્યો. ઇન્ટરવલના બ્રેક બાદ કાર્યક્રમ ફરીથી શરૂ થયો. બધા હાસ્યકલાકારો ફરીથી એક પછી એક સ્ટેજ પર આવ્યા. નવા-નવા ટુચકાઓ રજૂ કરવા લાગ્યા. વળી થોડી વાર પછી પેલા નવાસવા હાસ્યકલાકારનું નામ બોલાયું. આ વખતે બધા જ શ્રોતાઓએ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. બધા જ પ્રેક્ષકોમાં કંઈક નવા ટુચકા સાંભળવાની ઇન્તેજારી હતી, પણ પેલા હાસ્યકારે ફરીથી બધા જ પહેલાં રજૂ કર્યા હતા એ જ ટુચકા રજૂ કર્યા.

આ વખતે શ્રોતાજનો થોડું જ હસ્યા. નવા આવેલા શ્રોતાજનોને મજા આવી. થોડી વાર પછી પેલા હાસ્યકારનો વારો પાછો આવ્યો અને બધાના આશ્ચર્ય વચ્ચે તેણે વળી પાછા રજૂ કરેલા જ ટુચકા અને પ્રસંગો રજૂ કર્યા. આ વખતે પ્રેક્ષકો કંટાળીને સાવ ચૂપ રહ્યા. ન કોઈએ તાળી પાડી ન કોઈ હસ્યું.

આયોજકોને પણ ચિંતા થઈ કે આ યુવાન હાસ્યકાર આ શુ઼ કરે છે. હાસ્યસભાના સૂત્રધારે પ્રશ્નાર્થ દૃષ્ટિએ હાસ્યકાર સામે જોયું ને ધીમેથી પૂછ્યું, ‘તમારી કંઈ ભૂલ થતી લાગે છે. આ બધા ટુચકા તમે ત્રીજી વાર કહી રહ્યા છો.’

હાસ્યકારે કહ્યું, ‘ધીમેથી ન બોલો, મારી કોઈ ભૂલ નથી થતી. મને ખબર છે અને મેં જાણી જોઈને એકના એક ટુચકા કહ્યા છે. હવે તમને એનું કારણ કહું. જો તમે એકના એક ટુચકા, હાસ્યપ્રસંગ પર એક વાર બહુ હસો છો, બીજી વાર થોડું હસો છો અને ત્રીજી વાર તો બિલકુલ હસતા નથી તો હવે મારો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો - કોઈ દુ:ખ કે ગમના પ્રસંગ પર તમે વારંવાર વરસોવરસ શું કામ રડો છો? એક વાર આંસુ વહાવી દુ:ખને હળવું કરો, બીજી વાર ગમનો પ્રસંગ યાદ આવે તો ગમગીન-ઉદાસ થાઓ; પણ ત્રીજી વાર જેમ એકના એક ટુચકા પર હસતા નથી એમ ત્રીજી વાર એકના એક દુ:ખ પર રડો નહીં.’

હાસ્યકારની વાતને બધાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK