માની સેવા (લાઇફ કા ફન્ડા)

Published: 18th September, 2012 07:46 IST

પયગંબર મૂસા એક વખત અલ્લાહ સાથે વાતો કરતા બેઠા હતા. વાતો દરમ્યાન મૂસાએ પૂછ્યું, ‘હું જન્નત એટલે સ્વર્ગમાં જઈશ ત્યારે મારો સાથીદાર કોણ હશે એ હું જાણવા માગું છું.’અલ્લાહે જવાબ આપ્યો કે અમુક સ્થળે રહેતો એક ખાટકી જન્નતમાં તારો સાથીદાર થઈને રહેશે.

મૂસા પોતાના સાથીદાર થનાર ખાટકીની લાયકાત જોવા ગયા. ખાટકીનો વ્યવસાય કરતી તે વ્યક્તિ એક યુવાન હતો. દુકાન પર તે સતત કામ કરતો રહેતો.

રાત પડી ત્યારે દુકાન વધાવી થોડું માંસ લઈ તે ઘરે જવા નીકળ્યો. મૂસા તેની પાછળ-પાછળ ગયા. તે ઘરે પહોંચ્યો ત્યારે મૂસા તેની પાસે ગયા અને પૂછ્યું, ‘ભાઈ, તારા ઘરે હું આજની રાત મહેમાન તરીકે રહી શકું?’

યુવાને આનંદથી હા પાડી અને આવકાર આપ્યો. ઘરે જઈ યુવાન રસોઈ બનાવવા માંડ્યો. મૂસાએ ધ્યાનથી તેને કામ કરતો જોયો.

રસોઈ બની ગયા પછી યુવાન ઉપરના મજલેથી એક મોટો ટોપલો લઈને નીચે ઊતયોર્. એ ટોપલામાં એક વૃદ્ધ અપાહિજ સ્ત્રીને બેસાડી હતી. યુવાને તે વૃદ્ધાને નવડાવી અને સાફ કરી. એ પછી વૃદ્ધાને ધીમે-ધીમે પોતાના હાથે જમાડવા માંડ્યો. જમાડવાનું પૂરું થયું એટલે યુવાન ટોપલામાં વૃદ્ધાને બેસાડીને ઉપરને માળે લઈ જવા તૈયાર થયો. એ વખતે મૂસાના ધ્યાન પર આવ્યું કે તે વૃદ્ધાના હોઠ ફફડતા હતા અને તે કંઈક બોલતી હતી, પણ મૂસાને તેનું બોલવું કંઈ સમજાયું નહીં.

યુવાન પછી મૂસા અને પોતાને માટે જમવાનું લાવ્યો અને બન્ને સાથે જમવા બેઠા. મૂસાએ યુવાનને પૂછ્યું, ‘પેલી વૃદ્ધા કોણ છે અને યુવાનને તેની સાથે શું સંબંધ છે’

યુવાને કહ્યું, ‘તે મારી અમ્મા છે. મારી આવક એટલી નથી કે હું તેને માટે નોકરાણી રાખી શકું એથી હું જાતે જ તેની સેવા કરું છું.’

મૂસાએ પછી પૂછ્યું, ‘તું તારી અમ્માને ઉપર લઈ જતો હતો ત્યારે તારી અમ્મા શું ગણગણતાં હતાં?’

યુવાને જવાબ આપ્યો કે જ્યારે હું તેને નવડાવું અને જમાડું છું ત્યારે તે આર્શીવાદ આપે છે કે અલ્લાહ મને જન્નત બક્ષે અને જન્નતમાં મારા સાથી તરીકે પયગંબર મૂસા આપે. મૂસાએ પોતાની ઓળખ આપી અને યુવાને જણાવ્યું, ‘ભાઈ, તારી અમ્માની પ્રાર્થના અલ્લાહે સ્વીકારી છે અને તને જન્નતમાં મારી સાથે રાખવાનો છે.’

યુવાન મૂસાના પગમાં પડી ગયો.

માની સેવા અને માના આર્શીવાદની શક્તિનો મહિમા મુસ્લિમ પરંપરામાં આ રીતે ગવાયો છે.

- હેતા ભૂષણ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK