અનાજની કિંમત (લાઇફ કા ફન્ડા)

Published: 3rd September, 2012 06:07 IST

આજે જેને નેધરલૅન્ડ્સ કહીએ છીએ એ પહેલાં હોલૅન્ડ અને એ પહેલાં રિસલૅન્ડ તરીકે ઓળખાતું. ત્યાં સ્ટેવોરન નામનું મોટું બંદર હતું. એ બંદર પર મોટાં જહાજો લાંગરતાં.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

આજે જેને નેધરલૅન્ડ્સ કહીએ છીએ એ પહેલાં હોલૅન્ડ અને એ પહેલાં રિસલૅન્ડ તરીકે ઓળખાતું. ત્યાં સ્ટેવોરન નામનું મોટું બંદર હતું. એ બંદર પર મોટાં જહાજો લાંગરતાં. એ જહાજોમાં આફ્રિકા અને બીજા પછાત પ્રદેશોની ખાણોમાંથી સોનું, ચાંદી, હીરા અને માણેક જેવી કીમતી ધાતુઓ ઠલવાતી. આને કારણે સ્ટેવોરેન બહુ ધનાઢ્ય શહેર બની ગયું.  સ્ટેવોરેનના સૌથી સમૃદ્ધ કુટુંબની એક શેઠાણીને પોતાની સંપત્તિનું બહુ અભિમાન હતું. તે મહારાણી જેવા શણગાર સજી ઠસ્સાથી નીકળતી અને બીજા બધાને તુચ્છ ગણતી.

સ્ટેવોરેનની આ શેઠાણીએ નક્કી કર્યું કે જગતની સૌથી કીમતી વસ્તુ હોય એ ખરીદીને લાવવી અને એનાથી નવા ભંડારો ભરવા. દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ બની તે નામના મેળવવા માગતી હતી. તેણે જહાજના વડા કપ્તાનને બોલાવ્યો. તેને સૂચના આપી કે આખું જહાજ સોનામહોરો અને કીમતી ધાતુઓથી ભરી દો. આખી દુનિયામાં ફરો. દુનિયામાં સૌથી કીમતી ચીજ હોય એનાથી જહાજ ભરી પાછાં આવો.

કપ્તાન અનુભવસમૃદ્ધ, ઠરેલ અને વયોવૃદ્ધ હતા. દુનિયાભરમાં તેઓ ફર્યા. અનેક કીમતી વસ્તુઓ જોઈ, પણ કોઈ અજબ કીમતી વસ્તુ દેખાઈ નહીં. છેલ્લે એક ખેડૂત તેમને પોતાની વખારમાં લઈ ગયો. તેણે પકવેલા મોટા-મોટા દાણાના સોના જેવા પોતાના ઘઉં દેખાડ્યા. કપ્તાને ભરપૂર સોનામહોરો આપી જહાજ ભરાઈ જાય એટલા ઘઉં ખરીદી લીધા.

કીમતી ચીજની ખરીદીની જગ્યાએ વહાણમાં કપ્તાન ઘઉં જેવી તુચ્છ વસ્તુ લઈને આવ્યા તેથી શેઠાણી ગુસ્સે થઈ ગઈ. કપ્તાનને નોકરીમાંથી કાઢી મૂકી બધા ઘઉં દરિયામાં નાખી દેવા કહ્યું. કપ્તાન શાણા હતા. એ ઘઉં પોતાના સ્ટેવોરેન પાસેના ગામડામાં લઈ ગયા. ત્યાં એનાથી ખેતી કરી તેમણે ઘઉંના ભંડાર ભર્યા.

બન્યું એવું કે આખી દુનિયામાં ત્રણ વર્ષ સુધી ભારે મોટો દુકાળ પડ્યો. અનાજ વિના માણસો મરવા લાગ્યા. સ્ટેવોરેનની પણ એ જ દશા હતી. સોનું, ચાંદી, હીરા, માણેક, સોનામહોર ઘણાં હતાં; પણ એ શું કામનાં? શેઠાણી પોતાના કીમતી ખજાનાને લઈ કપ્તાન પાસે પોતાના ગામ સ્ટેવોરેન માટે ઘઉં ખરીદવા ગઈ. કપ્તાને કહ્યું, ‘ઘઉં મફતમાં લઈ જાઓ, મારે કોઈ કિંમત જોઈતી નથી. આ હીરા-મોતી, સોનામહોર મારા કોઈ કામનાં નથી. એને ખાઈ શકાતાં નથી. માણસ અન્ન ખાઈને જ જીવી શકે છે.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK