મિતભાષિતા (લાઇફ કા ફન્ડા)

Published: 21st August, 2012 06:13 IST

    મોઉત્સુ ચીનના એક અગ્રગણ્ય ફિલસૂફ હતા.

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

મોઉત્સુ ચીનના એક અગ્રગણ્ય ફિલસૂફ હતા.

પોતાના અઘરા અને અનોખા વિચારો લોકો સમક્ષ રજૂ કરવાની તેમની રીત અનોખી હતી. લોકોને સમજાવવાની એવી સુંદર, સરળ અને સહેલી રીત તેઓ વાપરતા કે ગમે તેટલો અઘરો વિચાર હોય, તેમનું કહેવું લોકોના ગળે ઊતરી જ જાય. ઘડીકમાં સમજાઈ જાય.

શાસ્ત્રોની ગંભીર વાતો પર તેઓ એવાં રસાળ દૃષ્ટાંતો અને ઉપમાઓ આપી લોકોને સમજાવે કે લોકોને બધું સરળતાથી સમજાઈ જાય.

એક વાર ત્સુ ચી નામનો એક માણસ તેમની પાસે આવ્યો અને બોલ્યો, ‘મોઉત્સુજી, મારે આપને એક પ્રશ્ન પૂછવો છે. બહુ દિવસોથી આ પ્રશ્ન મારા મનમાં રમે છે અને બહુ વિચાર કરતાં મને લાગ્યું છે કે આપ સિવાય બીજું કોઈ એ પ્રશ્નનો જવાબ આપી શકે તેમ નથી. આપ રજા આપો તો પ્રશ્ન પૂછું.’

મોઉત્સુજી બોલ્યા, ‘ભાઈ જે પૂછવું હોય એ પૂછ. અમારો તો ધર્મ છે કે લોકોના પ્રશ્નોનું, તેમના મનની મૂંઝવણોનું સમાધાન કરવું. બોલ, તારો કયો પ્રશ્ન છે?’

ત્સુ ચી રાજી થયો અને પોતાનો પ્રશ્ન રજૂ કરતાં બોલ્યો, ‘મહાશય! બહુ વાતોડિયા થવામાં કશો માલ નથી. લોકો એમ કહે છે કે બને એટલું ઓછું બોલવું જોઈએ તો શું આ વાત સાચી છે? આપ મને કોઈ દૃષ્ટાંત કે ઉપમા દ્વારા એ સમજાવો.’

મોઉત્સુ મીઠું મલકતાં બોલ્યા, ‘ભાઈ, સાંભળ. આપણે જોઈએ છીએ કે તળાવમાં દેડકાઓ આખો દિવસ ડ્રાંઉં-ડ્રાંઉં બોલ્યા કરે છે, મચ્છરો રાત-દિવસ ગણગણ્યા કરે છે અને માખીઓનો ગણગણાટ સતત ચાલુ રહે છે. ગળું સુકાઈ જાય ત્યાં સુધી એમનું ડ્રાંઉં-ડ્રાંઉં કે ગણગણાટ-બણબણાટ ચાલુ રહે છે છતાં કોઈ એમની પરવા કરતું નથી. એમના અવાજને કોઈ ગણનામાં લેતું નથી ખરુંને?’

ત્સુ ચી બોલ્યો, ‘હા, બરાબર સાચી વાત છે. તો શું બિલકુલ ન બોલવું અથવા ક્યારે બોલવું એ સમજાવો.’

મોઉત્સુ બોલ્યો, ‘જો ભાઈ. હવે કૂકડાનો દાખલો લઈએ. કૂકડો રોજ સવારે જ કૂકડેકૂક બોલે છે અને આખી દુનિયાને એના અવાજ પરથી ખબર પડે છે કે પરોઢ થયું. આ એના એક જ વારના અને નિયમિત અવાજથી લોકો એના અવાજને મહkવ આપે છે અને એના અવાજનું મૂલ્ય અંકાતું રહે છે. એ જ રીતે બહુ બોલવામાં નહીં, પણ યોગ્ય સમયે અને ખપ પૂરતું બોલવામાં જ શાણપણ છે. તો જ માણસની કિંમત થાય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK