એ બે મિનિટ પણ મહત્વની હોય છે! (લાઇફ કા ફન્ડા)

Published: 10th August, 2012 09:02 IST

તમને વાંચવું ગમે છે? ઘણા આ પ્રશ્નનો ઉત્તર ‘હા’ આપશે, પણ સાથે ફરિયાદ કરશે કે વાંચનનો શોખ ખરો, પણ સમય જ નથી મળતો.

 

 

તમારું રોજિંદું કામકાજ પતાવીને તમે કોઈ સારું પુસ્તક કે છાપું, મૅગેઝિન વાંચતા હશો, પણ તમે વાંચતાં હો ત્યારે રેડિયો વાગે તો? કોઈ મુલાકાતી આવે તો? ૫.૫૫ વાગ્યે તમે લેસન પતાવી લો... પછી ૬ વાગ્યે બસ આવવાની હોય તો? તમે ૫.૦૦ વાગ્યે તૈયાર થઈ જાઓ અને ૫.૧૫ વાગ્યે તમારે બહાર જવાનું હોય તો? આ બધા સમયના નાના-નાના ટુકડાઓમાં તમે વાંચો ખરા? પાંચ મિનિટ કે પંદર મિનિટનો ઉપયોગ કરી લઈને જ્ઞાનની સાધના કરવાનું તમને ફાવે ખરું?

 

તમે કહેશો કે એટલા સમયમાં વાંચવાથી શું વળે? પાંચ-દસ મિનિટ તો આમતેમ ગપ્પાં મારવામાં કે બગાસાં ખાઈને ગાળી નાખવી જોઈએ.

 

મોટા ભાગના લોકોનો આ જ જવાબ હોય, પણ ૧૯૩૦ના દશકાના અમેરિકાના પ્રમુખ મહાપુરુષ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટના જીવનની વાત તમારા જવાબને બદલી નાખશે.

 

રૂઝવેલ્ટ ઘણા જ લોકપ્રિય નેતા હતા. લોકો તેમને મળવા અને તેમનાં દર્શન કરવા બહુ જ આતુર રહેતા એટલે રૂઝવેલ્ટે નક્કી કર્યું હતું કે દરરોજ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી બપોરે બે કલાક લોકોને મુલાકાતો આપવી. દરેક મુલાકાતીને પાંચ-પાંચ મિનિટનો સમય આપવામાં આવતો.

 

આ સમયે તેમના ટેબલ પર એક પુસ્તક પણ તેઓ સાથે રાખતા. બનતું એવું કે એક મુલાકાતી વાત પૂરી કરીને બહાર જાય અને બીજાને અંદર દાખલ કરવામાં આવે એટલામાં દોઢથી બે મિનિટ વીતી જતી એટલો સમય પ્રમુખશ્રી પેલું પુસ્તક વાંચવા લાગતા. કોઈક વાર કોઈક મુલાકાતી માત્ર મળીને રાજી થઈ જાય. બીજી કોઈ ફરિયાદ-વાત ન હોય અને મુલાકાત જલદી પૂરી થઈ જાય તો પણ પ્રમુખ તરત જ પુસ્તક ખોલીને વાંચવા લાગતા.

 

અને આ જ રીતે રાષ્ટ્રના પ્રમુખનો ભાર સંભાળતા હોવા છતાં રૂઝવેલ્ટ સેંકડો પુસ્તકો વાંચી શક્યા! તેઓ હંમેશાં કહેતા, ‘મને તો અડધી મિનિટ પણ નવરા બેસવું નથી ગમતું.’

 

તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી સમય ચોરીને તમે પણ વાંચનનો શોખ પૂરો કરજો.

 

- હેતા ભૂષણ

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK