મને એ આપો... (લાઇફ કા ફન્ડા)

Published: 9th August, 2012 05:29 IST

એક જાજરમાન મહિલાની વાત છે. પોતાના વિસ્તાર, સગાંસ્નેહીઓમાં તેઓ શાણપણ માટે જાણીતાં. તેમને કુદરતનું સાંનિધ્ય ખૂબ જ ગમે. કલાકો સુધી તે પ્રકૃતિનું સૌંદર્ય માણતાં બેસી રહે. તેમને પર્વત અને પર્વતમાંથી ખળખળ વહેતાં ઝરણાં ખૂબ જ ગમે.


એક વખત તેઓ નિસર્ગનું સાંનિધ્ય માણવા પ્રવાસે નીકળ્યાં. એ પ્રવાસ દરમ્યાન એક ઝરણા પાસેનું વાતાવરણ તેમને એટલું બધું આહ્લાદક લાગ્યું કે તેઓ ત્યાં લાંબો સમય બેસી રહ્યાં. તેમની નજર ઝરણામાં પાણી સાથે વહી આવેલા કીમતી પથ્થર પર પડી. એ પથ્થર હીરાની જેમ ચમકતો હતો. તે મહિલાએ પેલો પથ્થર ઉઠાવ્યો, આમતેમ ફેરવી જોયો અને પછી રૂમાલથી લૂછી પોતાના પર્સમાં જાળવીને મૂકી દીધો.


તેમને એ સ્થળ એટલું બધું ગમી ગયું હતું કે બીજા દિવસે પણ તેઓ ત્યાં આવી કુદરતી સૌંદર્ય માણવા લાગ્યાં. ઘણો વખત પસાર થઈ ગયો. તેમને ભૂખ લાગી. તેમણે વિચાર્યું, લાવ થોડો નાસ્તો કરી લઉં.


હજી તેઓ પર્સમાંથી નાસ્તો કાઢે ત્યાં એક રઝળપાટ કરતો માણસ તેમની પાસે આવ્યો. મહિલાએ વિચાર્યું આ માણસ ભૂખ્યો લાગે છે. લાવ તેને કંઈક ખાવા આપું અને તેઓ પોતે જે નાસ્તો સાથે લાવ્યાં હતાં એમાંથી થોડો આપવાનો વિચાર કર્યો અને નાસ્તો કાઢવા માટે પર્સ ખોલ્યું.


મહિલા પર્સમાંથી ડબ્બો બહાર કાઢતાં હતાં ત્યારે પેલા માણસની નજર પર્સમાં મૂકેલા હીરા જેવા પથ્થર પર પડી. તેણે મહિલાને કહ્યું, ‘મને આ આપો.’ મહિલાએ જરાય ખચકાટ વિના તરત જ પથ્થર પર્સમાંથી કાઢી પેલા માણસને આપી દીધો.


આવો કીમતી હીરો મળ્યો એટલે તે માણસની ખુશીનો પાર ન રહ્યો. તેને થયું ભવની ભૂખ ભાંગી. બે દિવસ પછી મહિલાને શોધતો તે માણસ તેમના ઉતારા પર આવ્યો અને બોલ્યો, ‘હું આ કીમતી હીરો પાછો આપવા આવ્યો છું. આ હીરો બહુ કીમતી છે એ હું જાણું છું અને તમે પણ જાણો છો છતાં તમે જરાય ખચકાટ વિના મને એ હીરો આપી દીધો. એટલે તમારા અંતરમાં હીરાથી પણ વધુ કીમતી કંઈક છે, મને એ આપો.’


- હેતા ભૂષણ

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK