કૂવા પરનો રહેંટ... (લાઇફ કા ફન્ડા)

Published: 2nd August, 2012 06:14 IST

    સ્વામી રામર્તીથને એક ગૃહસ્થ મળવા આવ્યા. તેમણે કહ્યું, ‘સ્વામીજી, આ દુનિયાની ઉપાધિઓ, ચિંતાથી, મુશ્કેલીઓથી કંટાળી ગયો છું. મારે બધું છોડીને શાંતિ મેળવવી છે તો હું શું કરું?’

(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

સ્વામી રામર્તીથને એક ગૃહસ્થ મળવા આવ્યા. તેમણે કહ્યું, ‘સ્વામીજી, આ દુનિયાની ઉપાધિઓ, ચિંતાથી, મુશ્કેલીઓથી કંટાળી ગયો છું. મારે બધું છોડીને શાંતિ મેળવવી છે તો હું શું કરું?’

ગૃહસ્થનો સવાલ સાંભળી સ્વામી રામર્તીથ જવાબ આપતાં કહે છે, ‘ભાઈ પહેલાં શાંત થાઓ અને હવે મારી એક વાત સાંભળો. એક કૂવા પર રહેંટ ચાલતો હતો. ત્યાં એક ઘોડાગાડીવાળો ઘોડાને પાણી પાવા આવ્યો, પણ રહેંટના અવાજથી ભડકીને ઘોડો પાછો ખસવા લાગ્યો અને પાણી પીવાની તરસ હોવા છતાં પાણીથી દૂર જતો હતો.’

ઘોડાને ડરતો અને ભડકતો જોઈ ઘોડાગાડીવાળાએ કહ્યું, ‘ભાઈ, આ રહેંટના અવાજથી ઘોડો ભડકે છે. રહેંટ જરા થોભાવોને.’

રહેંટવાળાએ રહેંટ થોભાવ્યો એટલે અવાજ બંધ થયો, પણ સાથે પાણી પણ બંધ થયું. ઘોડાગાડીવાળો બોલ્યો, ‘ભલા માણસ, મારો ઘોડો થાકેલો અને તરસ્યો છે. મેં તને અવાજ બંધ કરવાનું કહ્યું હતું ને તેં તો પાણી પણ બંધ કરી દીધું. હવે ઘોડો શું પીએ? શું તારે ઘોડાને પાણી નથી આપવું?’

વાત કહેતાં-કહેતાં વચ્ચે થોભીને રામર્તીથજીએ ગૃહસ્થને પૂછ્યું, ‘ઘોડાને પાણી આપવા શું કરવું જોઈએ.’

ગૃહસ્થે કહ્યું, ‘રહેંટ ચાલે તો અવાજ તો થાય જ, પણ ઘોડાને અવાજ સાથે પાણી પિવડાવવા પુચકરવો પડે, પંપાળવો પડે.’

સ્વામી રામર્તીથે કહ્યું, ‘એકદમ બરાબર.’

રહેંટવાળાએ જવાબ આપ્યો, ‘ભાઈ અવાજ ન થાય અને પાણી મળે એ બને જ શી રીતે? તમારે ઘોડાને પાણી પાવું હોય તો રહેંટ ચલાવવો જ પડશે ને રહેંટ ચાલશે તો અવાજ તો થશે જ. તમે ઘોડાની પીઠ થાબડો, પંપાળો, વહાલથી પાણી પાઓ. બાકી રહેંટનો અવાજ સાવ બંધ કરવાથી તો પાણી નહીં મળે. અવાજની સાથે જ પાણી આવે.’

પોતાની વાત પૂરી કરતાં સ્વામી રામતીર્થે ગૃહસ્થને કહ્યું, ‘તમે જે વાત રહેંટના અવાજ અને ઘોડા માટે કરી એ જ વાત જીવન સાથે લાગુ પડે છે. જીવનમાં સુખ, શાંતિ, પ્રેમ અને માંગલ્યનો અનુભવ તમારે વિશ્વના આ બધા કોલાહલ અને ઉપાધિઓ વચ્ચે જ કરવાનો છે. તમે જંગલમાં જઈ જીવન ગાળો કે હિમાલયના શિખર પર, તમને બધે જ જગતની ઉપાધિઓ નડવાની. અશાંતિ, ધિક્કાર, દુ:ખ, અમાંગલ્યના અનુભવ તમને બધાં જ સ્થળે થવાના. ઉપાધિ અને ધાંધલ તમને ક્યારેય ક્યાંય છોડવાનાં નથી.’

પ્રતિકૂળ સંયોગો, ચિંતા, ઉપાધિ અને અમંગળ વાતાવરણ તો માનવીનું ઘડતર કરે છે. તમારે એમને વધાવી લેવાં જોઈએ. એમના દાસ ન બનતાં તમારે એમના સ્વામી બનીને રહેવું પડે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK