શબ્દનાં અજવાળાં (લાઇફ કા ફન્ડા)

Published: 31st October, 2014 05:11 IST

એક માણસ પર થોડા વખત પહેલાં ભારે આફત આવી. કઈ રીતે ઉગારો થશે એ તેને સમજાતું જ નહોતું. બધી બાજુથી મુશ્કેલીથી ઘેરાઈ ગયો હતો. ચારે બાજુ તમસનાં વાદળો હતાં.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

ડૂબતો માણસ ઈશ્વરનું શરણું ગોતે એ બળે પ્રાર્થના કે જપના શરણે તે માણસ ગયો, પણ એટલી બધી ચિંતા કે જપ કે પ્રાર્થનામાં પણ ચિત્ત ચોંટેલું નહોતું. ચારે બાજુથી એટલો ઘેરાઈ ગયો કે ક્યાંયથી કોઈ માર્ગ દેખાતો નહોતો. એટલોબધો હતાશ થઈ ગયો હતો તે માણસ કે ઈશ્વરને પોકાર કરવાની તાકાત પણ રહી નહોતી.

અંતે એક માર્ગ સૂઝ્યો. તે માણસે પ્રાર્થનાના જીવંત અવતાર સમા પોતાના પ્રાર્થનાગુરુને પોતાની પરિસ્થિતિ અને મન:સ્થિતિ વર્ણવતો પત્ર લખ્યો અને છેલ્લે નમ્ર વિનંતી કરી ‘પૂજ્ય ગુરુજી, હું અને મારો પરિવાર એક ભયંકર આફતમાં સપડાયા છીએ. અમારા માટે પ્રાર્થના કરો અને આશિષ મોકલી આપજે.’

પત્ર મળતાં જ ગુરુજીનો તરત જ જવાબ આવ્યો. ખૂબ જ નાનો જવાબી પત્ર હતો. તેમણે લખ્યું હતું કે ‘કાળ પર આધિપત્ય ધરાવતી પરમ કલ્યાણમયી દિવ્યતાની સનાતન કૃપા - વર્ષા ઘનઘોર અંધારાં વાદળોમાંથી વહન થઈને જ વરસે છે. ‘મરિયત: સર્વ દુર્ગાણિ મત્પ્રાસાદાત તરિષ્યસિ’ પરમાત્માના સર્વ શુભાશિષો પ્રાપ્ત હો! ઓમ પ્રેમ.’

ગુરુજીના સાવ નાનકડા પત્રએ તે વ્યક્તિને ખૂબ જ અલૌકિક બળ આપ્યું. ગુરુજીની પ્રાર્થના અને શીખવાડેલું ભગવદ્વચન કે મારામાં ચિત્તવાળો તું મારા આશિષ પ્રસાદથી તમામ અવરોધોને તરી જઈશ અને આ એક જ સત્યએ દિવ્ય પ્રકાશ આપ્યો.

તે દુ:ખી માણસને સાચે જ અંધકારભર્યા તમસ વચ્ચે પ્રકાશ દેખાયો. પ્રભુની શક્તિ ખરેખર કામ કરતી અનુભવાઈ અને ઘડીના છઠ્ઠા ભાગમાં વાદળો વિખરાઈ ગયાં.

આ પ્રાર્થના શબ્દનાં અજવાળાં સમાન છે. કોઈક વ્યથિત હૃદયનાં અંધારાં ઓગાળવામાં આ દિવ્ય સંદેશ અને પ્રાર્થનાનો પ્રકાશ ઉપયોગી બને એ જ ભાવના સાથે તે માણસે આ શબ્દોના દીવા ઘરની દીવાલ પર સજાવ્યા અને દરેકને તેઓ આ જ પ્રાર્થના કરવાનું કહે છે, ઈશ્વર આશિષ-કૃપા-હિંમત આપે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK