સંબંધનો પાયો ભરપૂર ભરોસો (લાઇફ કા ફન્ડા)

Published: 30th October, 2014 05:23 IST

એક બાળકી અને તેના પિતા નદીના એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. પુલ જૂનો હતો. ખખડધજ લાકડાનો અને વળી સાવ સાંકડો. પુલની નીચેથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો.


(હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા)

પિતાને મનમાં ડર હતો કે બાળકી નાની છે અને બેધ્યાન થઈ જશે તો ન બનવાનું બની જશે. આથી તેણે તેની વહાલી દીકરીને કહ્યું, ‘બેટા, તું મારો હાથ પકડી રાખ જેથી તું નદીમાં પડી ન જાય.’

બાળકીએ કહ્યું, ‘ના પપ્પા, હું તમારો હાથ નહીં પકડું...’

પિતાએ પૂછ્યું, ‘કેમ દીકરા? અહીં હાથ તો પકડવો જ પડે.’

બાળકીએ કહ્યું, ‘પપ્પા, તમે મારો હાથ પકડો.’

પિતા આ સાંભળીને વધુ ગૂંચવાઈ ગયા અને પૂછ્યું, ‘અરે દીકરા, તું મારો હાથ પકડે એના બદલે હું તારો હાથ પકડું એનાથી શું ફેર પડવાનો છે?’

બાળકીએ કહ્યું, ‘પપ્પા, મારા બદલે તમે મારો હાથ પકડો એનાથી બહુ મોટો ફેર પડી જાય છે. જો હું તમારો હાથ પકડું અને અનાયાસે કંઈક અજુગતું બની જાય તો શક્યતા એ છે કે હું તમારો હાથ છોડી દઉં અથવા મારા હાથમાંથી તમારો હાથ છૂટી જાય. પરંતુ જો તમે મારો હાથ પકડ્યો હોય તો મને ગળા સુધી ખાતરી છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તમે કદી મારો હાથ નહીં છોડો.’

આ નાનકડા પ્રસંગમાં જીવનનું સત્ય સમજાય છે કે કોઈ પણ સંબંધમાં ભરપૂર ભરોસો હોવાનું અતિ અગત્યનું છે. વિશ્વાસ કે ભરોસો એ કંઈ એકબીજા પરનો બોજ નથી, એ તો એકબીજા માટે બધું જ કરી છૂટવાનું વચન છે.

જ્યારે સાચા વિશ્વાસની વાત આવે ત્યારે એમાં અપેક્ષાનું તત્વ બહુ ઓછું હોય છે. એમાં તો નિર્ભળ પ્રેમ અને કંઈક કરી છૂટવાની હૃદયપૂર્વકની ભાવના હોય છે.

એકબીજા સાથે સંબંધ એટલે માત્ર પામવાની વૃત્તિ નહીં, પરંતુ કંઈક આપીને પરમ સંતોષ અને પ્રેમ પામવાની ભાવના.

આથી જે તમને ચાહે છે અને જેને તમે ચાહો છો તેના હાથ અને સાથની અપેક્ષા રાખવાને બદલે સદા પ્રિયજનો અને સ્વજનોને હાથ અને સાથ આપવા તત્પર રહો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK