ચહેરો : કદરૂપો કે રૂપાળો (લાઇફ કા ફન્ડા)

Published: 29th December, 2014 05:31 IST

‘કેમ મહારાજ, મારી સામે ધારી-ધારીને શું જોઈ રહ્યા છો? શું મારા ચહેરામાં આપને કંઈ ફેરફાર લાગે છે?’ લોકમાનસના પારખુ કવિરાજ તરત બોલી ઊઠ્યા.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

રાજાએ કહ્યું, ‘કવિરાજ, આજે એક વિચાર મારા મનમાં આવ્યો છે કે તમારી કવિતા સાથે તમારા ચહેરાની સરખામણી કરું.’

આમ તો રાજા જ્ઞાન-પારખુ હતા. કવિની વિદ્વત્તા અને કવિતા માટે તેમના અંતરમનમાં આદરમાન હતાં, પરંતુ આજે અભિમાનનું બીજ અંતરમાં પાંગરવા લાગ્યું હતું.

રાજાએ પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું, ‘કવિરાજ, તમારી કવિતા વાંચુ છું કે સાંભળું છું ત્યારે એનું સૌંદર્ય માણતાં મુગ્ધ બની જાઉં છું, પણ સાથે-સાથે-સાથે દૃષ્ટિ તમારા ચહેરા પર જાય છે અને મનમાંથી ઉદ્ગાર સરી પડે છે કે ‘કવિતા જેટલો જ સુંદર તમારો ચહેરો હોત તો સોનામાં સુગંધ ભળી જાત.’

રાજાની મજાકિયા ટકોર પર કવિ કંઈ બોલ્યા નહીં, પણ મનમાં સચોટ જવાબ આપવાનું નક્કી કર્યું.

રાજા-કવિ શાહી બાગમાં ફરવા નીકળ્યા. કવિએ અનુચરને એક સોનાના ઘડામાં અને એક માટીના ઘડામાં તાજું પાણી ભરીને ઢાંકી રાખવા કહ્યું.

વહેલી સવારથી વનવિહાર કરવા નીકળેલા રાજા અને કવિને જ્ઞાનચર્ચા, કાવ્યચર્ચા અને વાર્તાલાપમાં બપોર પડી. રાજાને તીવ્ર તરસ લાગી. રાજાએ પીવાનું પાણી લાવવા અનુચરને આદેશ આપ્યો. કવિએ અનુચરને કહ્યું, ‘રાજાજી માટે સુંદર-કીમતી સુવર્ણકળશમાંથી પાણી લાવજો.’

આજ્ઞાંકિત અનુચર સુવર્ણકળશમાંથી પાણી લાવ્યો. પાણીનો ઘૂંટ પીતાં જ રાજા બોલી ઊઠ્યો, ‘અરે, આવું ગરમ પાણી તે કાંઈ પીવાતું હશે. અત્યારની ગરમીમાં તો શીતળ પાણી પીવું જોઈએ.’

કવિરાજે તરત અનુચરને કહ્યું, ‘જા જલદી, પેલા સાદા માટીના ઘડામાંથી પાણી લઈ આવ.’

અનુચર પાણી લઈ આવ્યો. ઠંડું અમૃત સમાન પાણી પીને રાજાને સંતોષ થયો.

કવિ સામે ફરીને રાજા બોલ્યા, ‘શીતળ જલ તો માટીની માટલીનું જ. સુવર્ણકળશનું પાણી તો ગરમ અને ફિક્કું લાગ્યું.’

હવે હાથમાં આવેલી તક કવિ જવા દે ખરા? તેમણે વહેલી સવારની રાજાની મજાક યાદ કરાવતાં કહ્યું, ‘મહારાજ, સુવર્ણ કીમતી, ચકચકિત છે. ઝળહળાટ આંખને આંજી નાખે છે. પણ અંદરનું પાણી ફિક્કું લાગે છે એવું જ રૂપાળા ચહેરાનું... મહારાજ માટી જેવો કદરૂપો અને સમાન્ય ચહેરો ધરાવનાર તેજસ્વી બુદ્ધિ અને પ્રેમાળ હૃદય ધરાવી શકે છે અને અન્યને શીતળતા આપે છે. કવિનો જવાબ સાંભળી રાજાને પોતાની મજાક પર પસ્તાવો થયો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK