અવરોધની સાંકળ તોડો (લાઇફ કા ફન્ડા)

Published: 29th October, 2014 05:05 IST

આપણા ઉદ્દેશમાં આપણને પાછા પાડતું એક મહત્વનું પરિબળ છે આપણા ભૂતકાળની નિષ્ફળતા. ભૂતકાળની નિષ્ફળતા ઘણુંખરું તો ભૂતકાળમાં આપણી સાથે ઘટેલી કોઈ ઘટનાને આભારી હોય છે.


(હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા)

હાથી પોતાની સૂંઢ વડે એકાદ ટનનું વજન તો આસાનીથી ઉપાડી શકે, પરંતુ તમે સરકસના હાથીને જોયો છે? એ જ તાકાતવર હાથીને તંબુની બહાર લાકડાના એક ખૂંટા સાથે પાતળી સાંકળ કે દોરડા વડે બાંધેલો હોય છે. મૂળ સહિત ઝાડને જમીનમાંથી ઉખેડી નાખવાની હાથીમાં તાકાત હોય છે, પણ એ જ હાથી અહીં જમીનમાં દોઢ-બે ફૂટ ઊંડા ખૂંટાને ઉખેડી શકતો નથી કે નથી પેલી સાંકળને તોડી શકતો. શા માટે?

આનો જવાબ હાથીના ભૂતકાળમાં રહેલો છે. જ્યારે આ હાથી નાનું મદનિયું હોય છે ત્યારે એને ભારે મજબૂત સાંકળથી બાંધી સાંકળના બીજા છેડાને મજબૂત થડ સાથે બાંધી દેવામાં આવે છે. હમણાં સુધી આઝાદ મદનિયાને આ બંધન આકરું લાગે છે એટલે છટકવા માટે એ ધમપછાડા કરે છે, પણ એ બંધનમાંથી છૂટી શકતું નથી.

પછી તો હાથી મોટો થાય છે. તાકાતવર બને છે, પરંતુ ખૂંટા સાથે પોતાને સાંકળના બંધનમાં જોતાં એ એવું માનવાનું ચાલુ રાખે છે કે અહીંથી છટકી શકાય એમ નથી.

સરકસના આ હાથીની વાતના દૃષ્ટાંત પરથી એવું નથી લાગતું કે આપણે પણ ખાડે પડી ગયેલી ગ્રામોફોન રેકૉર્ડની માફક ભૂતકાળની એકની એક ધૂન વગાડ્યા કરીએ છીએ? પરિણામે ભૂતકાળનો એ અવરોધ વધુ ને વધુ શક્તિશાળી બનતો જાય છે.

જોકે અહીં એ સમજવાનું છે કે હાથી અને માનવી વચ્ચે તફાવત છે. અવરોધની માની લીધેલી સાંકળને આપણે તોડી શકીએ છીએ, આપણા મનને ભૂતકાળની નિષ્ફળતાના બંધનમાંથી છોડાવી શકીએ છીએ.

આપણામાં રહેલી શક્તિને જાણીએ, પછી નેગેટિવ અને પૉઝિટિવ પલ્લાને ઓળખીએ અને પૉઝિટિવ પલ્લા પ્રત્યે વધુ ઝુકાવ રાખીને આ કામ આપણાથી નહીં થઈ શકે કે નહીં ફાવે એવી રુકાવટમાંથી મુક્તિ મેળવીને ઊજળા ભવિષ્યનું નર્મિાણ કરી શકીએ. જરૂર છે અવરોધોની સાંકળને તોડવાની.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK