મુઠ્ઠીઊંચેરો માનવી (લાઇફ કા ફન્ડા)

Published: 28th December, 2012 06:54 IST

અલ્લાના ઓલિયા જેવા ફકીર એક શાયરને આંગણે આવી ઊભા.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

અલ્લાના ઓલિયા જેવા ફકીર એક શાયરને આંગણે આવી ઊભા.

બન્નેનું જીવન-ચિંતન ઊંડું હતું. સત્સંગમાં મજા આવી. સત્સંગ કરી બાબાએ વિદાય માગી. શાયર તેમને દરવાજા સુધી વિદાય આપવા ગયા.

વિદાય લેતાં પહેલાં બાબાએ પૂછ્યું, ‘ભાઈજાન મારે લાયક કંઈક સેવા હોય તો ફરમાવો.’

વિનયભર્યા સ્વરે શાયર બોલ્યા, ‘બાબા, આપને અમારા કરતાં ખુદા સાથે સીધો સંબંધ છે. મારે માટે દુઆ માગજો.’

ઓલિયા તરત બોલ્યા, ‘આપની ખ્વાહિશ શું છે? મતલબ મિલકતના માલિક બનવું છે?’

શાયર તરત બોલ્યા, ‘ના, બાબા. દોલતનો નશો તો ઇન્સાનને હેવાન બનાવે છે અને નેકીનો માર્ગ ભુલાવે છે.’

બાબાએ પૂછ્યું, ‘તો પછી કીર્તિની ખ્વાહિશ છે? જગમશહૂર થવું છે?’

શાયર સ્મિત કરતાં બોલ્યા, ‘ખુદાએ મારી શાયરીમાં જોશ પૂર્યું છે. મારી શાયરીઓ મને મુલ્કમશહૂર કરી રહી છે. જોકે ખ્યાતિ હાનિકારક છે. માનવીમાં ઘમંડનો કેફ ઉપજાવનારી છે એટલે ખુદા પાસે મારા માટે દુઆમાં નમþતા માગજો.’

શાયરની વધુ પરીક્ષા કરવા ફકીરે છેલ્લે પ્રશ્ન પૂછ્યો, ‘ભાઈજાન જિગરમાં જિજીવિષા ન હોય તેવો જણ જગતમાં જડવો મુશ્કેલ છે. તમારા મનમાં ખુદાને મળવાની ઇચ્છા હોય તો તેમની સાથે તમને મેળવી આપું.’

શાયર તરત જ બોલી ઊઠ્યાં. ‘ના, બાબાજી ના. એવી ગુસ્તાખી હું કરવા નથી માગતો. ખુદાને પામવાનું, ખુદાને જાણવાનું કામ તો તમારા જેવા અલ્લાતાલા બંદાનું છે. ખુદા મહાસાગર છે અને હું તો પાણીનો ક્ષણભંગુર પરપોટો છું. એક પળ પછી તો ફૂટી જવાનો છું. હા, મારે માટે એટલું માગજો કે એક ક્ષણ પછી પૂરી થનારી જેવી મારી જિંદગી પર ખુદાની અમીદૃષ્ટિ પડે. તેમની કૃપાથી જ મારી જિંદગી પાવન થશે.’

ખુદાના બંદા ફકીરના મોઢામાંથી શબ્દ સરી પડ્યા, ‘ભાઈજાન, તમે ક્યારેય કોઈની દુઆના મોહતાજ થાઓ એમ નથી. તમારા જેવી જીવનની સમજણ મને પણ આપે એવી બંદગી હવે મારે ખુદા પાસે કરવી છે.’

તે મુઠ્ઠીઊંચેરા માનવી હતા શાયર મોહમ્મદ ઇકબાલ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK