સર્જનનો ખખડાટ (લાઇફ કા ફન્ડા)

Published: 28th November, 2014 05:18 IST

એક યુવાન હોશિયાર, પણ ધમાલિયો. તેને ઘોંઘાટ કરવાની બહુ ટેવ. તે કશીક ધમાલ કર્યા જ કરતો હોય, એક ઘડી શાંતિ ન રાખે.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


એક દિવસ તેના એક અધ્યાપકે તેને સ્ટાફરૂમમાં બોલાવી સલાહ આપતાં કહ્યું કે ‘તારી શક્તિઓ શા માટે વેડફે છે? જરા શાંત બન, શક્તિઓને જાળવ અને ખરા કામમાં લાગી જા. તારી જાતે બોલવાને બદલે તારા કાર્યનાં પરિણામોને જ બોલવા દે.’

ધમાલિયા વિદ્યાર્થીએ સાચી વાત જણાવતાં કહ્યું, ‘માફ કરજો સાહેબ, મારાથી બોલ્યા વગર રહેવાતું જ નથી. શાંતિ મને સુનકાર જેવી લાગે છે. ધમાલ ન કરું તો મારાથી અકળાઈ જવાય છે.’

સ્ટાફરૂમમાં આ બન્નેની વાત સાંભળતા બીજા અધ્યાપકે વાતચીતમાં વચ્ચે ઝંપલાવ્યું. તેઓ મનોવિજ્ઞાનના પ્રધ્યાપક હતા. તેમણે પેલા વિદ્યાર્થીને કહ્યું, ‘જો મારી વાત સાંભળ, ઘોંઘાટ ભલે ફાવે એટલો કર; પણ જેટલો ઘોંઘાટ કર એના પ્રમાણમાં કામ પણ કરતો જા. એકલો ઘોંઘાટ તને ક્યાંય નહીં લઈ જાય. માત્ર વાતોના, જોખમના ફડાકા મારવાને બદલે કામ કરતાં, જોખમ લઈને આગળ વધતાં શીખ.’

આટલું કહી તેમણે વિદ્યાર્થીને ત્યાંથી જવા જણાવ્યું. વિદ્યાર્થી ચાલ્યો ગયો. બાદ તેમણે પેલા અધ્યાપકને કહ્યું, ‘કોઈને શાંતિની સલાહ ન આપવી.’

પેલા અધ્યાપક થોડા ગુસ્સે થઈ ગયા અને વ્યંગમાં બોલ્યા, ‘તો શું અશાંતિને ઉશ્કેરવામાં મદદ કરવી?’

મનોવિજ્ઞાનના પ્રધ્યાપકે કહ્યું, ‘ના એમ નથી, પણ પરમ શાંતિમાં કોઈએ રસ્તો તૈયાર કર્યો હોય એમ જાણ્યું છે ખરું?’

નવા સર્જનમાં, નવી વસ્તુને રચવામાં થોડો ખખડાટ થાય તો વાંધો નહીં. જગમાં એક ખૂણો પકડી લઈ શાંતિથી જીવનસાધના કરી સિદ્ધિ મેળવનારા કોઈક વીરલા જ હોય છે. પરંતુ સતત વાતો કરવી, ખોટી રાડો નાખવી, મોટાં ભાષણ કરવાનો રવૈયો પણ નિરર્થક છે.

સર્જન માટે, આગળ વધવા માટે કોઈક નક્કર નિર્ણય લેવો. પ્રકાશ મળવાની કોઈ જ શક્યતા ન હોય ત્યારે ઘનઘોર અંધકારમાં ખાબકી પડવું ને પ્રકાશ પ્રાપ્ત થાય ત્યાં સુધી અંધારાં ઉલેચવાનો પુરુષાર્થ કરવો. એમાં થોડો ખખડાટ થાય તો વાંધો નહીં, પણ પ્રયત્ન અને કામ અટકવાં જોઈએ નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK