સદ્ભાગી કોણ? (લાઇફ કા ફન્ડા)

Published: 28th October, 2014 04:58 IST

એક ખૂબ જ અનુભવી અને જ્ઞાનસમૃદ્ધ લેખકની મુલાકાત લેવા પત્રકારો આવ્યા હતા.


લાઇફ કા ફન્ડા

એક ખૂબ જ અનુભવી અને જ્ઞાનસમૃદ્ધ લેખકની મુલાકાત લેવા પત્રકારો આવ્યા હતા.

પત્રકારોએ પહેલો જ સવાલ પૂછ્યો, ‘આપના મતે વધારેમાં વધારે સદ્ભાગી કોણ ગણાય?’

લેખકે જવાબ આપ્યો, ‘મારા હિસાબે, મારા મતે વધારેમાં વધારે સદ્ભાગી જેનામાં ‘ઉત્સાહ’ છે તે ગણાય.’

પત્રકારોએ કહ્યું, ‘માત્ર ઉત્સાહી જ સદ્ભાગી ગણાય? બીજા કોઈ?’

લેખકે કહ્યું, ‘હા, માત્ર અતિઉત્સાહી જ સદ્ભાગી છે. એ હકીકત છે કે આપણા બધાના વિચાર મુજબ તો ઘણા પ્રકારનાં સદ્ભાગ્યો છે, પણ વર્ષો સુધી અનેક માણસોનાં જીવન અને તેમના વ્યવહારોનું નજીકથી નિરીક્ષણ કરવાને અંતે હું આજે ખાસ કહું છું કે ઉત્સાહ સૌથી વધારે જરૂરી છે. જેઓ જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરે છે તેઓ અનિવાર્યરૂપે ઉત્સાહવાળા જ હોય છે. મારા મતે ઉત્સાહ જીવનમાં આગળ વધવાનો, મહેનત કરવાનો, મુશ્કેલીનો હિંમતથી સામનો કરવાનો માર્ગ ચીંધે છે.’

પત્રકારોએ આગળ કહ્યું, ‘ઉત્સાહીને સફળતા મળે જ એનું કારણ શું?’

લેખકે જવાબ આપ્યો, ‘જે વ્યક્તિ પોતાના જીવનને, તકોને, પ્રશ્નોને, અરે આસમાની-સુલતાનીને પણ ઉત્સાહ સાથે સ્પર્શે છે તેઓ જ પોતાના જીવનનું કંઈક સાર્થક્ય કરે છે, પોતાનું શ્રેય કરે છે. ઉત્સાહથી આગળ વધનાર ક્યારેય પાછું વાળીને જોતો નથી.’

પત્રકારોએ આગળ પૂછ્યું, ‘તો શું જેનામાં ઉત્સાહ ન હોય તે આપના મતે બદનસીબ ગણાય?’

લેખકે કહ્યું, ‘હા, એકદમ સાચું. જેમનામાં ઉત્સાહભર્યા અભિગમનો અભાવ હોય છે તે લોકો ભાગ્યે જ કશુંક નક્કર કરી શકે છે. ઉત્સાહ વિનાના લોકો એક ખાલી-ખોખલું અસ્તિત્વ બનીને રહી જાય છે. જીવનનો આનંદ અને જીવનની ધન્યતા તેઓ અનુભવી શકતા જ નથી. અનુત્સાહી જિંદગી માત્ર સંજોગોનો શિકાર બનતી રહે છે અને ઉત્સાહી જિંદગી સંજોગોને સફળતામાં પરિવર્તિત કરે છે. ઉત્સાહથી વ્યક્તિ પોતાની અંદરની શક્તિ ઓળખી એને જગાડી આગળ વધી શકે છે. માટે ઉત્સાહી વ્યક્નિ સદ્ભાગી છે.’

ઉત્સાહી બનો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK