નવા રસ્તા ખૂલે જ છે! (લાઇફ કા ફન્ડા)

Published: 27th December, 2012 07:01 IST

હવે આપણે તાળા-ચાવીને બદલે ઑટોમેટિક લોક વાપરીએ છીએ. ઘરની અંદરથી ‘નોબ’ ફેરવી આ લોક ખૂલી શકે છે પણ બહારથી ચાવી વિના ખૂલી શકતા નથી.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

હવે આપણે તાળા-ચાવીને બદલે ઑટોમેટિક લોક વાપરીએ છીએ. ઘરની અંદરથી ‘નોબ’ ફેરવી આ લોક ખૂલી શકે છે પણ બહારથી ચાવી વિના ખૂલી શકતા નથી. આપણે ઘરની બહાર અમસ્તાં જ રવેશમાં કે બગીચામાં ફરવા નીકળ્યાં હો ત્યારે ઘરની ચાવી લઈને બહાર નીકળ્યાં ન હોઈએ અને ભૂલથી કે હવાથી બારણું બંધ થઈ જાય તો આપણે ચાવી વિના બહારથી બારણું ખોલી શકતા નથી જાણે આપણે ઘરની બહાર પૂરાઈ જઈએ છીએ.

એકવાર અનુષ્કા આમ જ ઘરની બહાર નીકળી. બારણું લોક થઈ ગયું. આમ તો અનુષ્કા એના પતિ અને પુત્ર ત્રણે જણ પાસે એક એક ચાવી હતી. સેફ્ટી ખાતર ચોથી ચાવી એ લોકોએ બાજુમાં પડોશીને ત્યાં રાખી હતી. આજે એવું બન્યું કે અનુષ્કા બહાર હતી. તેની ચાવી અંદર અને પડોશી અઠવાડિયા માટે બહારગામ ગયા હતા. માટે એ માર્ગ બંધ હતો. પુત્ર દૂરની કૉલેજમાં ભણતો તેથી માત્ર દર શનિ-રવિ મળવા આવતો. પતિ રાત્રે ઑફિસેથી ઘરે આવે ત્યારે જ અનુષ્કા ઘર ખોલી શકે અને અંદર જઈ શકે. પતિને ફોન કરે તોય એ વહેલા ઘરે આવી શકે તેવો સંભવ નહોતો કારણ કે તેઓ બહારગામ ફરતા સેલ્સમેન હતા.

અનુષ્કા તો બિચારી માથે હાથ દઈને બહાર બેસી ગઈ. થોડીવારમાં એક કુરિયરવાળો એક લેટર લઇને આવ્યો. અનુષ્કાએ સહી કરીને લેટર લીધો.

કુરિયરમાં તેના ભાઈનો કાગળ હતો. અનુષ્કા લેટર ખોલતાં ખોલતાં મનમાં ને મનમાં બોલી હજી ત્રણ દિવસ પહેલાં તો ગયો છે અને એટલામાં કાગળ લખવાની શું જરૂર પડી?

અનુષ્કાએ કાગળ ખોલ્યો ‘એના આશ્ચર્યનો પાર ન રહ્યો. કવરમાંથી નાના કાગળ સાથે એના ઘરની ચાવી નીકળી પડી. ભાઈએ લખ્યું હતું કે હું ઘરે આવ્યો હતો ત્યારે બાજુમાં ચાવી લઈને મેં એકવાર ઘર ખોલ્યું હતું પછી ચાવી બાજુમાં આપવાનું ભૂલી ગયો હતો. એ ચાવી આ સાથે પાછી મોકલું છું જેથી તમને તકલીફ ન પડે.’ અનુષ્કા તો ચાવી હાથમાં લઈ રાજી રાજી થઈ ગઈ.

નાનકડો પ્રસંગ છે પણ જીવનની એક યાદ રાખવા જેવી વાસ્તવિકતા સમજાવે છે કે જ્યારે આપણને એમ લાગે કે બધા જ દરવાજા બંધ થઈ ગયા છે. આ વિકટ પરિસ્થિતિમાં ય નીકળવાનો કોઈ માર્ગ નથી ત્યારે અચાનક એકાએક નવા દ્વાર ખૂલે જ છે. જરૂર છે હિંમત હાર્યા વિના પ્રયત્નશીલ રહેવાની.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK