મોહનો માર્ગ (લાઇફ કા ફન્ડા)

Published: Oct 27, 2014, 05:21 IST

એક સંત ખૂબ ત્યાગી, તપસ્વી અને વિદ્વાન હતા. સમગ્ર સંસાર પ્રત્યે વિરક્તિ દાખવી મોહ-માયાનો ત્યાગ કર્યો હતો. વેદો-ઉપનિષદો તેમને કંઠસ્થ હતા અને સતત રાત-દિવસ તેઓ તપસ્યામાં લયલીન રહેતા. માત્ર પ્રભુનામમાં મસ્ત રહેતા.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


પરંતુ એક વાત હતી કે તેઓ માત્ર પ્રભુનામ જ લેતા, પણ જનસેવા કરતા નહોતા. દીન-દુ:ખી, રોગી કે સમાજની કોઈ સેવા કરવામાં તેમને કોઈ રસ નહોતો.

સદા તપ કરતા રહેનાર તપસ્વી સંત એક દિવસ તપ કરતાં-કરતાં પ્રભુનામ સ્મરણ કરતાં-કરતાં જ ઈશ્વરને પ્યારા થઈ ગયા.

મૃત્યુ બાદ તેમનો આત્મા ચિત્રગુપ્ત સમક્ષ લઈ જવામાં આવ્યો. ચિત્રગુપ્તે સંતનાં કર્મો, પાપ-પુણ્યોનો હિસાબ માંડ્યો. તપસ્વી સંતનો આત્મા નિશ્ચિંત હતો. તેમણે સતત પ્રભુનામ લઈ તપ કર્યું હતું અને તેથી તપના ફળસ્વરૂપે તેઓ મોક્ષ મેળવવાની જ આકાંક્ષા રાખતા હતા.

થોડી ક્ષણો બાદ ચિત્રગુપ્તે પોતાનો નિર્ણય જણાવ્યો કે ‘આપની તપસ્યાના પરિણામસ્વરૂપે આપને અત્યંત કુળવાન અને ધર્મવાન, ધનવાન કુટુંબમાં જન્મ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.’

સંતને આ નિર્ણય ન ગમ્યો. તેમને મોક્ષની અપેક્ષા હતી અને તેમણે ચિત્રગુપ્ત પાસે હઠ કરી કે મારે બીજો જન્મ નથી જોઈતો, મને તો મોક્ષ જોઈએ છે. અનેક સમજાવટ બાદ પણ સંત માન્યા નહીં. તેથી તેમને ધર્મરાજની પાસે લઈ જવામાં આવ્યા. સંતે તેમની સમક્ષ પણ પોતાની તપસ્યાના ફળસ્વરૂપે મોક્ષની માગણી કરી.

ધર્મરાજાએ સંતના જીવન વિશે તપાસ કરી. તેમનાં કર્મો તપાસ્યાં અને ચિત્રગુપ્તે તેમના નવા જન્મની કરેલી વ્યવસ્થા અને સંતની ઇચ્છાનું નિરીક્ષણ કર્યા પછી પોતાનો નિર્ણય જણાવ્યો કે ત્યાગ તથા તપસ્યામય નિષ્કલંક જીવન જીવવું ખૂબ સારું છે, પરંતુ માનવજીવનની સાર્થકતા તપસ્યાની સાથે-સાથે પરોપકાર અને સેવાનાં કાર્યો કરવામાં રહેલી છે. ‘જનસેવા એ જ પ્રભુસેવા’ છે, એના વિના મોક્ષપ્રાપ્તિ થતી નથી.

સંત સાચી વાત સમજ્યા અને પોતાના બીજા જન્મમાં તપની સાથે-સાથે સેવા કરવાનો સંકલ્પ કર્યો જેથી બીજા જન્મ બાદ મોક્ષ મળે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK