જીવન જીવવા માટે છે (લાઇફ કા ફન્ડા)

Published: 26th December, 2014 05:01 IST

જીવન સમાપ્ત કરવા તત્પર થયેલા યુવાનને એક સંતપુરુષ સમજાવી રહ્યા હતાં. સંતે મધુર વાણીમાં કહ્યું, ‘ઊઠ જાગ! અનેક કાર્યો તારી રાહ જોઈ રહ્યાં છે. જીવન જીવવા માટે છે, વેડફી નાખવા માટે નથી.’


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


યુવાન બોલ્યો, ‘હું શું કરું. મારું કોઈ કરતાં કોઈ નથી.’

સંતે કહ્યું, ‘એ તો ક્ષણભંગુર દુનિયાનો નિયમ છે કે કોઈ કરતાં કોઈ જ કોઈનું નથી. તને એ સત્યનો અનુભવ વહેલો થયો એ તો આનંદની વાત છે.’

યુવાને કહ્યું, ‘છતાં માણસો જીવી રહ્યા છે; માતા-પિતા, પત્ની, પુત્ર-પરિવાર, ધન-વૈભવ કે આબરૂ માટે! મારી પાસે એમાંનું કશું નથી. મેં બધું જ ગુમાવ્યું છે, હું જીવન હારી ગયો છું!’

સંતે કહ્યું, ‘જો સાંભળ, હારેલો જ જીતે છે, ગુમાવનાર જ પાછું મેળવે છે. આ જ જીવન જીવવાનો હેતુ છે. જેઓ તારા કહેવા પ્રમાણે જીવન માણી રહ્યા છે એ બધા જ હજી કંઈક મેળવવા માટે જ જીવી રહ્યા છે. જેને કંઈ જ મેળવવાનું બાકી નથી તેઓ જીવે જ શા માટે? એ તો જીવનનું પૂર્ણવિરામ કહેવાય. સંસારની સર્વોત્તમ સમૃદ્ધિની ટોચ પર બેઠેલા માણસને તેં કદી તૃપ્ત જોયો છે? તું જેને જીવનનો આધાર માને છે એવું કશું જ મારી ઝૂંપડીમાં નથી છતાં હું જીવું છું. આનંદથી જીવું છું. આનંદથી જીવવા માટે તું કહે છે એવી બાહ્ય સમૃદ્ધિની કશી જ જરૂર નથી. ખરી સમૃદ્ધિ તો તારી અંદર જ છે. જરૂર છે દૃષ્ટિકોણ બદલવાની... ‘જીવીશ-મથીશ તો જ મેળવીશ’ એ શબ્દો જીવનમાં ઉતાર.

યુવાને કહ્યું, ‘પરંતુ મહારાજ, હું સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો છું. મારા દરેક પગલે મને નિષ્ફળતા મળે છે.’

સંતે કહ્યું, ‘જો સાંભળ અને સમજ ભૌતિક સમૃદ્ધિ ક્ષણભંગુર છે છતાં જો તારે મન ભૌતિક સમૃદ્ધિ જ જરૂર હોય તો એ પણ નિરાશ થઈને બેસી રહેવાથી નહીં મળે. દેહત્યાગ કરવાથી કોઈએ કાંઈ મેળવ્યું નથી. પોતાનું જીવન ગુમાવ્યું છે. ભૌતિક સમૃદ્ધિ મેળવવી હોય કે આત્મિક સમૃદ્ધિ-શુદ્ધિ પ્રાપ્ત કરવી હોય પણ આ દેહની જરૂર છે. આ જીવનદેહ અને જીવવાનો અધિકાર ઈશ્વરે આપણને આપ્યો છે અને સાચે કહું છું કે ‘સંઘર્ષ એ જ જીવન છે.’ માટે જીવનમાં સંઘર્ષનું મહત્વ છે. તારા મનની કાયરતા ખંખેરી નાખ. દુ:ખથી ભાગવાની, નાસી છૂટવાની વૃત્તિ છોડ. આશાભર્યા મન સાથે, સઘળી હિંમત ભેગી કરી આગળ વધ, જીવન જીવવા જેવું લાગશે.’

યુવકના નિરાશાવાદી મનમાં આશાનો સંચાર થયો અને દિલમાં પડઘો પડ્યો, ‘જીવન જીવવા માટે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK