સગાને ઠાર કરો ખરા? (લાઇફ કા ફન્ડા)

Published: 26th December, 2012 06:26 IST

વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ ‘શાંતિનિકેતન’નું અલૌકિક વાતાવરણ.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ ‘શાંતિનિકેતન’નું અલૌકિક વાતાવરણ.

શાંતિનિકેતનમાં એક વાર એક કૂતરાને જખમ થયો. જખમ વધ્યો, સડો થયો, જીવાત બદબદવા લાગી. કૂતરો બિચારો દર્દભરી ચીસો પાડ્યા કરે.

શાંતિનિકેતનમાં આ કૂતરો નાનું ગલૂડિયું હતું ત્યારથી અહીં જ રહેતો, રખેવાળી કરતો, આશ્રમવાસીઓ સાથે ભળી પણ ગયો હતો અને બધાને વહાલો હતો, પણ કોઈ પણ જાણે બિચારા કૂતરાના જખમને સાજો કરવાની તસ્દી ન લીધી અને એનો જખમ વકરતો ગયો. એ જ્યાં જાય ત્યાંથી બધા એને પથ્થર-દંડૂકો મારી ભગાડે.

કૂતરાની દર્દભરી ચીસો બધાના માટે માથાનો દુખાવો બની. રાત્રે એને રડતો સાંભળી બધા ફફડી ઊઠતા.

એક દિવસ એક પ્રોફેસરસાહેબથી આ કૂતરાની ચીસો સહન ન થઈ. તેણે એને ગોળીએ દેવાનું નક્કી કર્યું.

બંદૂક લઈને, પ્રોફેસરસાહેબ ધૂંધવાતા અને પગ પછાડતા ગુરુદેવ સામે આવીને ઊભા રહ્યા.

અકળાયેલા સ્વરે ફરિયાદ કરી, ‘ગુરુજી, આ કૂતરાએ તો જબરો ત્રાસ ફેલાવ્યો છે. રાત્રે નિરાંતે ઊંઘવા પણ નથી દેતો. દિવસે પણ સતત ખલેલ પહોંચાડે છે.’

ગુરુદેવે કહ્યું, ‘તમે શું કરવા માગો છો?’

પ્રોફેસરે સારી ભાષામાં કહ્યું, ‘હું ઠાર મારી કૂતરાને સદા માટે દર્દમાંથી મુક્ત કરવા માગું છું. આપ રજા આપો તો.’

આ સાંભળી ગુરુદેવના મુખ પર પીડા પ્રસરી ગઈ. તેઓ કંઈ બોલ્યા જ નહીં.

પ્રોફેસર આગળ બોલ્યા, ‘ગુરુજી, એનો ઘા ખૂબ જ સડી ગયો છે. આશ્રમમાં રોગચાળો ફેલાવાનો ડર પણ છે. માટે એને સદા માટે શાંત કરવો એ એક જ ઉપાય છે.’

ગુરુદેવ બોલ્યા ‘સારું. તમે એમ કરવા ઇચ્છતા હો તો એમ કરો, પણ પહેલાં મને મારી વાતનો જવાબ આપો. ધારો કે તમારું નજીકનું સ્વજન આ રીતે પીડાથી તરફડે અને બૂમાબૂમ કરે તો તમે તેને પણ ઠાર મારો ખરા?’

પ્રોફેસર ચૂપ થઈ ગયા. થોડી વાર પછી મહામહેનતે શરમથી માથું ઝુકાવી એટલું બોલ્યા, ‘મને માફ કરો.’

ગુરુદેવ ટાગોરે કહ્યું, ‘માફી? જો તમારે માફી જ મેળવવી હોય તો કૂતરાને સાચી રીતે પીડામાંથી મુક્ત કરાવો. એને ગોળીએથી ઠાર કરવાને બદલે પશુઓના દવાખાને લઈ જઈને એની સારવાર કરાવો ને દર્દમુક્ત કરો એ જ સાચો માર્ગ છે. એમાં જ ખરી માનવતા છે.’

ગુરુદેવની વાત પ્રોફેસરે શિરે ચઢાવી. થોડા જ દિવસોમાં કૂતરો સાજો-નરવો થઈ ગયો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK