જગત-સલાહકાર (લાઇફ કા ફન્ડા)

Published: 25th November, 2014 04:49 IST

પોતાની જાતે બની બેઠેલો એક જગત-સલાહકાર હતો. કોઈને કશી તકલીફ આવે તો બોલાવ્યા વિના જ તેમને સલાહ આપવા દોડી જતો.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

કોઈ મૃત્યુ પામે તો અને તેના સ્વજનો રડતા હોય તો તે ત્યાં પહોંતી જતો અને સલાહ આપવા માંડતો.

‘એમાં શું રડવાનું? જે જન્મ્યું એ જાય એ દુનિયાનો ક્રમ છે. અંજળપાણી પૂરાં થાય એટલે અહીંથી જવું તો પડે જને! એને માટે રડવું એ અજ્ઞાન છે.’

આમ તેની સલાહ હંમેશાં ચાલુ જ રહેતી. એક વખત એવું બન્યું કે બધાને ન રડવાની સલાહ આપનાર પોતે રડવા માંડ્યો. ખબર કાઢતાં ખ્યાલ આવ્યો કે આ તો સલાહકાર ફિલસૂફની માતાનું મૃત્યુ થયું હતું.

અને તેમણે જેને-જેને સ્વજન બનીને સલાહ આપી હતી એ બધા માણસો દોડતા તેની પાસે પહોંચી ગયા અને તેને ન રડવાની સલાહ આપવા માંડ્યા. પણ પેલો તો રડતો જ રહ્યો.

એકે કહ્યું, ‘ભાઈ, તમે જ તો સલાહ આપતા હતા કે જે જન્મ્યું તે જાય. મરણ અનિવાર્ય છે એ સ્વીકારી લેવું જોઈએ અને રડવું ન જોઈએ. એ બધું ભૂલી જઈને તમે પોતે કેમ રડવા માંડ્યું?’

પેલા સલાહકારજી ગુસ્સે થઈ ગયા, ‘પણ મૂર્ખાઓ. આ તો મારી મા ગઈ છે.’ એટલું બોલી વળી પાછો ઠૂઠવો મૂકીને તે રડવા લાગ્યો.

આ દુનિયાની હકીકત છે. જગતમાં આપણને ઠેર-ઠેર આવા અસંખ્ય માણસો મળી આવશે જે બીજાને સલાહ આપવામાં શૂરા હોય છે અને જ્યારે-જ્યારે તક મળે ત્યારે પોતાની પાસે જે જ્ઞાન અને અજ્ઞાન હોય એ ઠાલવી દેતા હોય છે. આવા માણસો પર આફત આવી પડે ત્યારે તેઓ મૂઢ બની જાય છે અને તેમનું વર્તન સામા માણસને પણ મૂઢ બનાવી દે છે.

શોક અને દુ:ખના ઝંઝાવાતો સામે પણ પહાડ બનીને ઊભો રહે તે માનવી હજારોમાં એક હોય છે. પોતાનું જ્ઞાન, ફિલસૂફી અને વિવેકબુદ્ધિનો સાચો ઉપયોગ કરીને જીવનના ઝંઝાવાત સામે ટકવાનું બળ તેઓ પોતાની અંદરથી જ મેળવી લે છે. જીવનમાં આગળ વધતા રહેવું અને કાર્યરૂપી રસાયણમાં હૃદયવિદારક શોકને ઓગાળી દેવો એ સાચો માર્ગ છે.   

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK