મન ચંગા તો કથરોટ મેં ગંગા (લાઇફ કા ફન્ડા)

Published: 24th December, 2014 04:56 IST

ગામને પાદરે આવેલા રામજી મંદિરમાં એક વિદ્વાન સાધુ આવીને ઊતર્યા હતા. સંસારના પરિતાપથી બળ્યાઝળ્યા ઘણા દીન-દુખિયા સાધુ પાસે આવીને પોતાની વ્યથા નિ:સંકોચ રજૂ કરતા. સાધુ તેમને હૈયાધારણ આપી સાચી સલાહ આપતા.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક વાર એક વૃદ્ધા એ સાધુને મળવા આવ્યાં. સાધુના ચરણમાં મસ્તક નમાવી, હાથ જોડી બોલ્યાં: ‘મહારાજ, આ જન્મને સાર્થક કરવાની ઇચ્છા છે. ઘરબાર, સગાંવહાલાં, આપ્તજનો, ધનસંપત્તિનો ત્યાગ કરી વૃંદાવન જઈ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ-આરાધના કરવાની ઇચ્છા છે. શ્રીકૃષ્ણની ભક્તિ કરવા માટે વૃંદાવનમાં એકાંત સ્થાન ક્યાં મળશે?’

વૃદ્ધાની સાથે તેમનો પૌત્ર પણ આવ્યો હતો. પૌત્ર પરાણે વહાલો લાગે એવો રૂપાળો હતો. વૃદ્ધાની વાત સાંભળીને સાધુના મુખ પર સ્નેહાળ સ્મિત ફરકવા લાગ્યું.

માજીના પૌત્રની સામે આંગળી ચીંધતાં સાધુ બોલ્યા: ‘મા, આ બાળક કોણ છે? તેની આંખોમાં એક વાર તો તું ધ્યાનપૂર્વક જો, પછી એમાં શું દેખાય છે એ મને કહે.’

વૃદ્ધાએ જવાબ આપતાં કહ્યું, ‘બાપજી, મારા દીકરાનો દીકરો આજે મારી સાથે આવવાની હઠ પકડીને બેઠો એટલે તેને હું સાથે લેતી આવી છું.’

સાધુએ પૂછ્યું, ‘તેની આંખમાં શું દેખાય છે એ તો તમે કહ્યું નહીં, મા?’

વૃદ્ધાએ કહ્યું, ‘બાપજી, આ બાળક નિષ્પાપ છે, નિષ્કલંક છે. તેના મનમાં કોઈ જ પ્રકારના રાગદ્વેષ નથી. તેની આંખોમાં જોતાં એવો અનુભવ મને થઈ રહ્યો છે જાણે શ્રીકૃષ્ણ ભગવાન પોતે જ મારી સામે જોઈ રહ્યા છે.’

વૃદ્ધાની વાત સાંભળીને સાધુ ઘડીભર મૌન રહ્યા. ઊંડા વિચારમાં પડી ગયા.

થોડી વાર પછી સાધુ બોલ્યા, ‘મા, તું વૃંદાવન જવાની વાત શા માટે કરે છે? તારા ઘરને જ તું વૃંદાવન જેવું બનાવી દેને! અને ઘરની સાથે તારા મનને પણ વૃંદાવન બનાવી નાખ. કનૈયાકુંવર જેવો આ બાળક શું કોઈ કનૈયાથી કમ છે?’

‘આ તો મારો પૌત્ર છે, દીકરાનો દીકરો. આ ક્યાં કૃષ્ણ છે?’

સાધુએ કહ્યું, ‘મા, તારા મનને એક વાર વૃંદાવન બનાવી દે પછી તને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી જશે. તારી ગોદમાં રમતા કનૈયાને દૂભવીને, તરછોડીને તું વૃંદાવનમાં શોધવા જઈશ તો તને કાંઈ નહીં મળે. તારો ફેરો ફોગટ જશે. તારા આ પૌત્રને જ ઈશ્વરનું રૂપ સમજીને આરાધના કર, તારું જીવન અહીં જ સાર્થક થઈ જશે.’

સાધુની વાત વૃદ્ધાને હૈયાસોંસરવી ઊતરી ગઈ. મનનો સંતાપ શમી ગયો. સાધુને વંદન કરી વિદાય થઈ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK