હૃદય રેડીને કામ કરો (લાઇફ કા ફન્ડા)

Published: 24th October, 2014 05:52 IST

એક વિદ્વાન હતા. ત્રણેક યુનિવર્સિટીઓમાં તે ઉપકુલપતિ તરીકે સેવા આપી ચૂક્યા હતા. સવારથી સાંજ સુધી કામ કરે. સિત્તેર વર્ષની વયે પણ લોકો તેમને છોડવા નહોતા માગતા, પણ સરકારના નિયમોને કારણે તેમને તો જગ્યા છોડવી જ પડી તો તેમણે બનારસમાં રહીને લેખનકાર્ય શરૂ કર્યું.


(લાઇફ કા ફન્ડા - - હેતા ભૂષણ)


તેમના અનુભવસમૃદ્ધ લેખનથી એક પછી એક ગ્રંથો પ્રકાશિત થવા લાગ્યા. સવારથી રાત સુધી તેઓ લેખન અને સંશોધનમાં વ્યસ્ત રહેતા. આટલી મોટી ઉંમરે પણ આ માણસ આટલી મહેનત કરવાની શક્તિ ક્યાંથી લાવતો હશે એનું બધાને આશ્ચર્ય રહેતું.

એક વખત તેઓ મિત્રવતુર્ળમાં વાતો કરતા હતા ત્યારે એક મિત્રએ કહ્યું, ‘ભાઈ, હવે તો આપણી ઉંમર થઈ. તને આ ઉંમરે પણ આટલું કામ કરતાં થાક નથી લાગતો?’

વિદ્વાન બોલ્યા, ‘અરે ના! મને તો હજી મનમાં મારા કામની બાબતે દુખ રહે છે. રંજ છે કે હજી વધુ કામ હું કરી શકતો નથી.’

મિત્રએ કહ્યું, ‘કામ આટઆટલું કરો છો ને વળી પાછું દુખ છે?’

વિદ્વાને કહ્યું, ‘હા! મને લાગે છે કે મારે કરવું જોઈએ એટલું કામ હું કરી શક્યો નથી. એટલે મારે હવે વધુ કામ કરવું છે.’

મિત્રએ કહ્યું, ‘પણ દોસ્ત, હવે આપણને પંચોતેર વર્ષ થયાં... શરીર તો થાકેને..’

વિદ્વાને તરત જ કહ્યું, ‘ના-ના, થાક શાનો? ૮૫ વર્ષ થશે તો પણ હું તો સતત કામ કરતો જ રહીશ.’

મિત્રએ કહ્યું, ‘શરીર ઘસાઈ રહ્યું છે. સતત કામ કરતો રહીશ તો થાકીને ચૂર થઈ જઈશ. હવે જરા આરામ કર, કામને છોડ.’

વિદ્વાને કહ્યું, ‘ના એવું બને જ નહીં. કામ મારી જીવનની જડીબુટ્ટી છે. હું જે કંઈ કરું છું એમાં મારું જીવન રેડી દઉં છું.

દરેક કામમાં મારું સમગ્ર હૃદય રેડવાનો મારો નિયમ છે. પછી મને થાક કેમ લાગે?’

મિત્રએ કહ્યું, ‘વાત તો સાચી છે.’

વિદ્વાને કહ્યું, ‘હજી તો હું સમય કાઢીને અણુવિજ્ઞાન અને અવકાશ સંશોધન વિજ્ઞાનનો અભ્યાસ કરવા માગું છું. મારે હૃદય રેડીને નવો અભ્યાસ કરવો છે.’

હૃદય રેડીને કરવું છે એવો સંકલ્પ કરીને કોઈ પણ કામ કરીએ તો તેજભર્યો તરવરાટ જાગે અને કામ સફળ જ થાય.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK