ઘમંડ અને દંભ (લાઇફ કા ફન્ડા)

Published: 23rd December, 2014 05:14 IST

હાજી મોહમ્મદ મુસ્લિમ સંત હતા. ચુસ્ત ધર્મપાલન કરતા હતા. મુસ્લિમ ધર્મમાં દરેક મુસ્લિમ એક વાર હજ કરવાની ઇચ્છા ધરાવે છે અને હજ કરી લે પછી બેડો પાર સમજે છે. હાજી મોહમ્મદજી એક વાર કે બે વાર નહીં, પરંતુ સાઠ વાર હજની યાત્રા કરી આવ્યા હતા.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

સંત હાજી મોહમ્મદ પાકા નમાજી હતા. રોજ પાંચ વાર નમાજ અદા કરવાનો નિયમ પાળતા હતા.

એક વાર રાતે તેમને થોડું વિચિત્ર સપનું આવ્યું. સપનામાં એક ફરિશ્તો હતો જે બધાને અલ્લા તરફ જવાનો રસ્તો બતાવતો હતો. આગળ જતાં તે રસ્તો બે બાજુ ફંટાઈ જતો હતો. એક ફાંટો સ્વર્ગ તરફ અને બીજો નરક તરફ જતો હતો. બન્ને ફાંટા સુધી લઈ જઈને તે ફરિશ્તો દરેક જણને તેમનાં શુભ-અશુભ કર્મોનો હિસાબ પૂછતો અને તેમનાં કાર્યો અને કર્મો મુજબ તેમને જન્નત અને જહન્નમમાં મોકલતો હતો.

જ્યારે હાજી મોહમ્મદ તેમની સામે આવીને ઊભા રહ્યા ત્યારે ફરિશ્તાએ પૂછ્યું, ‘તમે કયાં-કયાં શુભ કર્મો કર્યા છે?’

હાજીસાહેબે જવાબ આપતાં કહ્યું, ‘હું સાઠ વાર હજ કરીને આવ્યો છું.’

ફરિશ્તાએ આશ્ચર્યજનક જવાબ આપ્યો કે ‘કોઈક તમારી ઓળખ પૂછે ત્યારે તમે ગર્વિષ્ઠ બની જઈને એમ કહેતા કે હું મહાન સંત હાજી મહંમદ છું. તમને સાઠ વાર હજ કરવા જવાનું અભિમાન હતું. આ અહમ્ અને ગર્વને કારણે હજ કરવાનું તમારું બધું પુણ્ય નષ્ટ થઈ ગયું છે.’

‘બીજું કોઈ સારું કાર્ય હોય તો જણાવો.’

સંત હાજી મોહમ્મદે કહ્યું, ‘હું સાઠ વર્ષથી રોજ પાંચ વાર નમાજ પઢું છું. એક પણ દિવસ મેં નિયમ તોડ્યો નથી.’

ફરિશ્તાએ કહ્યું, ‘તમારું એ પુણ્ય પણ નષ્ટ થઈ ગયું છે. એક દિવસ બહારના ધર્મજિજ્ઞાસુઓ તમારી પાસે આવ્યા હતા. તમે તેમને દેખાડવા માટે એ દિવસે રોજ કરતાં લાંબા સમય સુધી નમાજ પઢી હતી. તમે એ દિવસે દંભ આચર્યો એટલે તમારું એ પુણ્ય પણ નષ્ટ થઈ ગયું છે.’

હાજીની આંખો ખૂલી ગઈ, આંખોમાં આંસુઓની ધાર હતી... અલ્લાએ તેમને સપનામાં સાચો માર્ગ અને તેમની ભૂલ બતાવી હતી. તેમણે એ દિવસથી જ ઘમંડ અને દંભથી દૂર રહેવાનો દૃઢ નિર્ધાર કર્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK