હું તો તને જ પાણી પીવડાવું છું (લાઇફ કા ફન્ડા)

Published: 22nd December, 2014 05:23 IST

એક વૃદ્ધ સરદારજી... નામ ધન્હૈયાજી. ગુરુજીમાં પરમ આસ્થા ધરાવે. લંગર (ગુરુદ્વારામાં જમણ)માં તેઓ હંમેશાં પાણીનો પુરવઠો પૂરો પાડવાનું કઠિન કામ પાર પાડે. આ ઉંમરે તેમનું શરીર ખડતલ હતું. તેમના જીવનનો એક પ્રસંગ છે.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

ધન્હૈયાજી ગુરુ તેગ બહાદુરસાહેબના શિષ્ય હતા. આનંદપુરની એક લડાઈ વખતે પહાડી રાજાઓએ તુર્કોની સાથે મળી જઈ આક્રમણ કર્યું હતું. એ વખતે પણ ધન્હૈયાજીએ રણભૂમિમાં ઘાયલ થયેલા જખમી સૈનિકોને પાણી પીવડાવવાની સેવા સ્વેચ્છાએ સ્વીકારી લીધી હતી અને પૂરી નિષ્ઠાથી એને નિભાવતા. ક્યાંક દૂર-દૂરથી પખાલમાં પાણી સારી લાવતા અને દરેક ઘાયલ સૈનિક પાસે જઈને તેને પાણી પીવડાવી રાહત આપતા.

રણમેદાનમાં ફરી-ફરીને તેઓ દરેકેદરેક જખમી સૈનિકને પાણી પાતા અને એમાં મિત્ર-દુશ્મનનો ભેદભાવ પણ રાખતા નહીં.

યુદ્ધ પુરબહારમાં ચાલી રહ્યું હતું. એક વાર કેટલાક શિષ્યોએ ગુરુજી સમક્ષ ધન્હૈયાજીની વિરુદ્ધ ફરિયાદ કરતાં કહ્યું, ‘ગુરુજી, આ ધન્હૈયાજી તો શત્રુઓને પણ પાણી પીવડાવી આપણી વિરુદ્ધ લડવા તૈયાર કરે છે.’

ફરિયાદને ધ્યાનમાં લઈ ગુરુજીએ એ જ વખતે ધન્હૈયાજીને પોતાની પાસે બોલાવ્યા. તેમની સામે થયેલી ફરિયાદ તરફ ધ્યાન ખેંચતાં ગુરુજીએ તેમને પૂછ્યુ, ‘રણયુદ્ધના મેદાનમાં તમે  દરેક ઘાયલ સૈનિકોને પાણી પીવડાવો છો એમાં શત્રુઓને પણ પાણી પીવડાવો છો, શું એ વાત સાચી છે?’

ગુરુજીનો પ્રશ્ન સાંભળી ગભરાયા વિના ધન્હૈયાજી ભગવાનને સંબોધી બોલ્યા: ‘હું તો જ્યાં-જ્યાં જોઉં છું ત્યાં-ત્યાં બાદશાહ (ઈશ્વર) તને જ જોઉં છું. મને કોઈ પરાયું દેખાતું જ નથી. રણમેદાનમાં પણ હું તને જ પાણી પીવડાવું છું.’

ધન્હૈયાજીની સચોટ વાણી સાંભળીને ગુરુજી તેમના પર અત્યંત પ્રસન્ન થયા. ધન્હૈયાજીને મન મારા-તારાનો કોઈ ભેદભાવ નહોતો.

જખમી હિન્દુ, સિખ, મુસ્લિમ કોઈ પણ હોય, તેઓ બધાને પાણી પીવડાવતા હતા.

ગુરુજીએ તેમને પાસે બોલાવી મલમનો એક મોટો ડબ્બો તેમના હાથમાં મૂકતાં કહ્યું, ‘ભાઈ, જરૂર પડે ત્યારે જખમી યોદ્ધાઓને આ મલમ પણ લગાવજો.’

ફરિયાદ કરનારા ખુશામતખોરોના મુખ પર કાળી શાહી ઢળી ગઈ. ધન્હૈયાજી હાથમાં મલમનો ડબ્બો લઈ ઉત્સાહભર્યા પગલે કર્તવ્યની કેડી પર ચાલવા લાગ્યા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK