તંગદિલી (લાઇફ કા ફન્ડા)

Published: 22nd October, 2014 04:45 IST

અમુક માણસો સર્વદા અશાંત હોય છે. આ લોકોનાં મન હંમેશાં તંગ જ હોય છે. આવા તંગ રાખનારાં માનસિક દબાણ અને માનસિક ખેંચાણ બે પ્રકારનાં હોય છે. તંગદિલીને બે સ્વરૂપે સમજી શકાય.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

પ્રેરણા આપનારી...

શક્તિને છિન્નભિન્ન કરનારી...

આપણને જે પ્રેરણા આપે, ઢંઢોળે, સૂતી શક્તિઓને જાગ્રત કરે એ તંગદિલી આવકાર્ય ગણાય છે. આવી તંગદિલી પ્રથમ પ્રકારની હોય છે. આ મનને તંગ કરે એટલા પૂરતું જ એને તંગદિલીનું નામ આપવું જોઈએ. એક રીતે એને રચનાત્મક સંઘર્ષ કહેવો જોઈએ. જેનામાંથી, જેને કારણે કંઈક સર્જનાત્મક નીપજે અને હોઈએ એના કરતાં આપણને આગળ વધારે એને નકારાત્મક નામ અપાય જ કેમ?

અને બીજો પ્રકાર તંગદિલીનો, એટલે મન અને વાતાવરણને છિન્નભન્ન કરનારો. આને ખરેખરી તંગદિલી કહેવાય. એ માણસને ઝંઝોડી નાખે, કુંઠિત કરી મૂકે, મૂઢ બનાવી દે. આવી તંગદિલી માણસના સત્વને ખલાસ કરી નાખે છે.

આવી તંગદિલી કેવી અસર કરે છે એ જોઈએ.

એક યુવકને સતત તંગદિલી રહે અને એ પણ બીજા પ્રકારની. જ્યારે જુઓ ત્યારે તેના ચહેરા પર તંગ રેખાઓ ખેંચાયેલી જ હોય.

એક વખત તેના પ્રોફેસરે તેને કહ્યું, ‘તારે આ બાબતે કંઈક કરવું જોઈએ. હંમેશાં તંગ રહેવું બરાબર નથી.’

યુવકે કહ્યું, ‘શું કરવું એ તમે જ કહો?’

પ્રોફેસર કહે છે, ‘તું તારી જાતને બહુ મહત્વ આપે છે. તારી બુદ્ધિ માટે તને અનહદ માન છે અને એના પર તું મુસ્તાક રહે છે. એ બુદ્ધિનું અભિમાન તને વધુ ને વધુ તંગ કરે છે.’

યુવકે કહ્યું, ‘તો હું શું કરું?’

પ્રોફેસરે કહ્યું, ‘તારી જાતને મહત્વ આપવાનું બંધ કર. પોતાની જાતને કેન્દ્રમાંથી દૂર કર અને દૃષ્ટિ જરાક વિશાળ કર અને તો તંગદિલી ઓછી થશે. તંગદિલીને જડમૂળથી ભગાડવા તંગદિલીના કારણને જાણી એને મનથી દૂર કર નહીં તો એ હતાશા આપશે.’

યુવકે પ્રોફેસરની વાત સમજી લીધી અને બીજા પ્રકારની તંગદિલીને દૂર કરી. બીજા પ્રકારની તંગદિલીને નજીક ન ફરકવા દો. તંગદિલી ઉત્સાહ ઘટાડે છે. જેમ ઉત્સાહ ઘટે એમ તંગદિલી વધે છે. ઉત્સાહ વધારો, તંગદિલી ઘટાડો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK