ભિખારી અને રાજા (લાઇફ કા ફન્ડા)

Published: 21st December, 2012 06:50 IST

સ્વર્ગના દરવાજા બહાર, એ ક્યારે ઊઘડે એની રાહ જોતા મૃત્યુલોકના બે મૃતાત્માઓ બેઠા હતા. એમાં એક હતો રાજા અને બીજો હતો ભિખારી.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

સ્વર્ગના દરવાજા બહાર, એ ક્યારે ઊઘડે એની રાહ જોતા મૃત્યુલોકના બે મૃતાત્માઓ બેઠા હતા. એમાં એક હતો રાજા અને બીજો હતો ભિખારી.

પ્રભાત પ્રગટ્યુ, દરવાજા ખૂલ્યા અને બે દેવદૂતો બહાર આવ્યા. રાજા અધીરાઈથી તેમના તરફ દોડ્યો... તેને અધવચ્ચે જ અટકાવી દેવદૂત બોલ્યો, ‘હે ઘમંડી જીવાત્મા! અમે તને નહીં આ ભિખારીને લેવા આવ્યા છીએ.’

રાજા ક્રોધિત થઈ ગયો અને બોલ્યો, ‘હું હજારો ગાયોનો ધણી, મહા પરાક્રમી અને અનંત સત્તા ધરાવનાર રાજા છું...’

દેવદૂત કડક અવાજે બોલ્યો, ‘અમારે તારું પ્રશંસા-પારાયણ નથી સાંભળવું.’

બીજો દેવદૂત બોલ્યો, ‘માનવતા આગળ સત્તા, મત્તા અને મહત્તા કોઈની વિસાત નથી. આ ભિખારી માનવતાનો પૂજારી હતો, એ ગરીબ હતો, પણ દિલ અનુકંપાથી ભરેલું હતું. તારાં નર્દિય દુષ્કૃત્યોને લઈને તારા રાજ્યમાં પડેલા દારુણ દુષ્કાળના કટોકટીભર્યા સમયે આઠ-આઠ દિવસની રઝળપાટને અંતે તેને મળેલો જીવાદોરી સમાન રોટલો તે ભિખારીએ બીજા એક અંધ અને અપંગ ભિખારીને આપી દીધો હતો અને તેને કાળનો કોળિયો થતો બચાવી લીધો હતો, કારણ કે તે ભૂખના દુ:ખથી મૃત્યુશૈયા પર તરફડતો હતો. રોટલાની પોતાના કરતાં તેને વધુ જરૂર છે એવું વિચારી ભિખારીએ પોતાનું જીવન પણ જે રોટલાના આધારે ટકવાનું હતું એ પેલા અંધ ભિખારીને આપી તેને જીવનદાન આપ્યું અને પોતે મૃત્યુને વધાવી લીધું. માનવતાનો દીપક પ્રકાશિત રાખ્યો.’

બીજો દેવદૂત બોલ્યો, ‘જ્યારે તું મોટો રાજા, પણ કૂપણ ક્રૂર અને કઠોર, પ્રજા પર જુલમ ગુજારી તું રક્ષક જ ભક્ષક બન્યો. દુકાળને કારણે ભૂખના દુ:ખે ગ્રસ્ત બનેલી પ્રજાને તે અનાજનો કણ ન આપ્યો. એક દિવસ ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગ્યો. તેમણે બળવો કર્યો અને અંતે તું કમોતે મર્યો... તને સ્વર્ગની આશા છે, તને સ્વર્ગ તો શું નર્ક પણ નહીં મળે. તારી ફરીને પૃથ્વી પર અવતરવું પડશે. અંધ-અપંગ ભિખારી બની કટકા રોટલા માટે જીવનભર અહીં-તહીં ઠોકરો ખાતા ભટકવાનું છે અને અંતે ભૂખ્યા રહી ભૂખનું દુ:ખ સહન કરીને જ ભૂખ્યા મરવાનું છે.’

આટલું કહીને બન્ને દેવદૂતો પેલા જન્મે ભિખારી પણ કર્મે દાનધર્મી અને માનવતાના પૂજારીને સન્માનપૂર્વક સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગના બંધ દરવાજા પર રાજાએ માથું પછાડ્યું. પાપી લાખ વાર માથું પછાડે, પણ કરેલાં કુકમનાં કડવાં ફળ ભોગવ્યા વગર તેનો છુટકારો કઈ રીતે થાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK