એક વિચાર-વિસ્ફોટ (લાઇફ કા ફન્ડા)

Published: 21st October, 2014 04:51 IST

એક સામાન્ય માણસની કાર્યક્ષમતા અને ઉત્સાહમાં એટલો બધો વધારો થઈ ગયો કે તેની આસપાસના લોકો આશ્ચર્ય અનુભવવા માંડ્યા. તેની ચાલમાં વીજળિક ગતિ, આંખોમાં અનેરો ચમકારો, આત્મવિશ્વાસમાં અનોખો વધારો અને આખા જીવનમાં અજબ પરિવર્તન.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


સાઠ વર્ષની વયે તે માણસે બે આશ્ચર્યજનક કામ કર્યા : એક તો તદ્દન નવો વ્યવસાય શરૂ કર્યો અને લેખનકાર્યનો આરંભ કર્યો. લેખનકાર્ય પણ કેવું? લોકો વાંચે અને ઊછળી પડે.

તેના સામાન્ય મિત્રો આપોઆપ ખરી પડ્યા અને ઉચ્ચ વતુર્ળના લોકો તેને મળવા લાગ્યા. તેની રહેણીકરણીમાં નોંધપાત્ર ફેરફાર થઈ ગયો અને ધંધો પણ સરસ ચાલવા લાગ્યો.

પોતાના પતિમાં આવો બદલાવ જોઈને ચકિત થઈ ઊઠેલી પત્નીએ પૂછ્યું, ‘તમને કોઈ મોટા ગુરુ મળી ગયા લાગે છે.’

પેલા માણસે કહ્યું, ‘ગુરુ મળ્યા પણ છે અને નથી પણ મળ્યા. મારા એકસઠમા જન્મદિને મને વિચાર આવ્યો કે હું શું આવા સામાન્ય જીવન માટે સર્જાયો છું!’

પત્નીએ પૂછ્યું, ‘અચ્છા, પછી?’

‘અરે, પછી તો એ વિચારે મારા મનમાં ભારે વિસ્ફોટનું કામ કર્યું. બે દિવસ હું સાવ બહાવરો બની ગયો. પછી મને થયું કે જે જીવનથી મને સંતોષ નથી એને બદલવાનો મારે પ્રયાસ કરવો જોઈએ.’ પતિએ કહ્યું. પછી વાત આગળ સમજાવતાં કહ્યું, ‘બસ, પછી તો આ સંકલ્પે આગળના વિસ્ફોટનું કામ કર્યું અને મારી સામાન્યતાનો છેદ ઉડાડી દીધો. મેં એક નવા જીવન-ઘડતરનું કામ શરૂ કર્યું, મારી પોતાની તમામ શક્તિઓ આ દિશામાં વાળી. મેં જોયું કે મને પોતાને સપનામાં પણ કલ્પના નહોતી એવી શક્તિ અને છટાઓ મારામાં ઊગવા લાગી.’

આગળ જતાં તે વ્યક્તિ જીવનમાં ખૂબ જ આગળ વધી. તેણે પોતાના જીવનચરિત્રમાં જણાવ્યું છે, ‘સમજાવી ન શકાય, વ્યાખ્યા આપી ન શકાય એવો એક શક્તિશાળી સ્પર્શ મને મારા એકસઠમા જન્મદિને થયો અને મને સમજાયું કે જ્યારે માણસ પોતાના સાફલ્યયજ્ઞમાં પોતાના સમગ્ર જીવન, દૈનિક પ્રવાહો અને શક્તિને ભેટ ધરે છે ત્યારે આપણને અલૌકિક પરિણામોનો ખ્યાલ આવવા માંડે છે. એક વિચાર અને ઉત્સાહનો પ્રભાવ જીવન બદલી શકે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK