કલાની અપૂર્ણતા (લાઇફ કા ફન્ડા)

Published: 20th November, 2014 05:13 IST

એક ખૂબ જ કલાવંત, મહાન શિલ્પકાર. મૂંગા પથ્થરને બોલતા કરી દે એવી તેમની કલા.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

દરેક જણ શિલ્પને જોઈને અંજાઈ જાય, પરંતુ શિલ્પીને સહેજે નિરાંત નહીં. તે માનતો કે પ્રગતિ માટે ગતિ સતત આવશ્યક છે. આથી વળી એક હાથમાં હથોડી અને બીજા હાથમાં ટાંકણું લઈને પોતાની એ કલાકૃતિને ધારી-ધારીને નીરખે અને એમાં અપૂર્ણતા રહી ગઈ નથીને, એનું સૂક્ષ્મ અન્વેષણ કરે અને બધા લોકોએ સંપૂર્ણ કલાકૃતિ કહીને વધાવી હોય એવી કૃતિમાં પણ શિલ્પીને કંઈક અપૂર્ણતા જોવા મળે જ.

શિલ્પી ફરી હથોડી અને ટાંકણું લઈને બેસી જાય. એનાથીય અદકી એવી મૂર્તિ ઘડી કાઢે. એક વાર શિલ્પીએ મોહક સુંદરીનું એવું શિલ્પ ઘડ્યું, એનાં અંગેઅંગ એવી બારીકાઈથી કંડાર્યાં કે જાણે એમાંથી સૌંદર્ય નીતરતું જ લાગે... કોઈ સૌંદર્યવતીની જીવતી-જાગતી મનોહર દેહલતા જ દેખાય.

શિલ્પીની કારીગરી પર સૌકોઈ આફરીન પોકારી ગયા. સમગ્ર સમાજે આ શિલ્પને વધાવી લીધું, પરંતુ શિલ્પીના હૃદયમાં કોઈ આનંદ નહોતો. મુખ પર વિષાદ છવાયેલો હતો. કલાકોના કલાકો સુધી ઊંડા વિચારમાં ડૂબીને શિલ્પીએ શિલ્પને નિહાળ્યા કર્યું. ચારે બાજુથી પ્રશંસાનાં પુષ્પો અને ધન્યવાદના શબ્દો ગુંજી રહ્યા હતા ત્યારે પોતાના શિલ્પનું બારીક અવલોકન કરતો શિલ્પી એકાએક રડવા લાગ્યો.

સૌ આશ્ચર્યમાં ડૂબી ગયા. અતિ આનંદની ક્ષણે શિલ્પીને રડતો જોઈ એક જણે પૂછuું, ‘હે મહાન કલાકાર! આજે તો તમે પરમ સિદ્ધિની ટોચે બિરાજ્યા છો ત્યારે રડો છો શું કામ?’

થોડી વારે શિલ્પી શાંત થયો. પછી પોતાની કલાકૃતિ સામે જોઈને કહ્યું, ‘કલાકોના કલાકોથી હું મથું છું, પણ મારા શિલ્પમાં ખામી જણાતી નથી અને મિત્રો, મારા રડવાનું કારણ એ છે કે જ્યારે આપણા કોઈ કાર્યમાં અપૂર્ણતા લાગે ત્યારે જ પૂર્ણતા પામવા માટે આગળ વધવાનું મન થાય છે. પૂર્ણતા પામવા માટેનું પ્રેરક બળ જ અપૂર્ણતા છે. આજે આ શિલ્પમાં મને કોઈ અપૂર્ણતા દેખાતી નથી. પૂર્ણતાનું ભાન થતાં પ્રગતિ અટકી પડે છે અને એથી જ હું રડી રહ્યો છું.’

શિલ્પી પ્રામાણિકપણે પોતાની કલામાંથી અપૂર્ણતા ગોતી પૂર્ણતા તરફ આગળ વધતો હતો. એમ આપણે બધાએ આપણી અપૂર્ણતા ગોતી, એને દૂર કરી પૂર્ણતા તરફ આગળ વધવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK