મનનો મેલ

Published: 30th December, 2011 05:57 IST

માનવસ્વભાવની એક નબળાઈ છે કે પરસેવો પાડ્યા વિના વસ્તુ મળતી હોય તો વહેલી ને પહેલી તકે એ ઝડપી લેવી. સંતને દાન આપી તેમની કૃપા મેળવી લેવાનો ટૂંકો રસ્તો ઘણા ધનપતિઓ અપનાવતા હોય છે.(લાઇફ કા ફન્ડા--હેતા ભૂષણ)


કંઈક એવી જ ભાવનાથી એક સિંધી સજ્જન એક સમર્થ મહાપુરુષના દર્શનાર્થે આવ્યા.

હૈયામાં લક્ષ્મીનો ભારોભાર મદ ભરેલો હોવા છતાં વિનમ્રતાનો બનાવટી દેખાવ કરી સંતને ચરણે નાણાંની થેલી ધરી અને પોતાને આર્શીવાદ આપવા જણાવ્યું, પણ આ તો સાચા સંત હતા. તેમણે વ્યવહારની જરાયે પરવા કર્યા વિના તદ્દન બેપરવાહીથી કહ્યું, ‘ભાઈ, તારા રૂપિયાની થેલી લઈને તું તારે ઘેર તાકીદે પાછો જા. મારે તારા કે બીજા કોઈના રૂપિયાની જરૂર નથી. એ માટે તારે ધંધાદારી દુકાનદારોને ત્યાં જવું જોઈએ.’

સંતનો આવો રોકડો જવાબ સાંભળી પેલા સજ્જન સજ્જડ થઈ ગયા.

થોડી વાર રહીને શાંત થઈને સંતે કહ્યું,‘ જો ભાઈ, ધાર કે તારે આંગણે તારી પુત્રીનું લગ્ન છે. જાન બારણે આવીને ઊભી છે. બરાબર એ જ ક્ષણે કોઈ મૂરખ માણસ આવી ચડે અને તારા સજાવેલા મંડપના ગાલીચા, શેતરંજી તથા ગાદીતકિયા વગેરે પર વિષ્ટા ફેંકે તો એ વખત તું તેને શું કરે?’ 

પેલો માણસ સંતનો આવો વિચિત્ર પ્રશ્ન સાંભળી અવાચક થઈ ગયો. સંતે કહ્યું, ‘ભાઈ, મેં કંઈ પૂછ્યું એનો જવાબ આપ.’

પેલા માણસે કહ્યું, ‘બાપજી, આપ પૂછો જ છો તો કહું છું કે સાવ સીધીસાદી વાત છે. એવે પ્રસંગે બીજું કંઈ જ વિચાર્યા વિના પહેલાં તો તેનાં હાડકાં જ ખોંખરા કરી નાખવા જોઈએ.’

વાતને ઠેકાણે આવેલી જોઈને સંતે કહ્યું, ‘જો ભાઈ, મારી ને તારી વાત પણ એવી જ છે. ઈશ્વરપ્રાપ્તિ માટે મેં મારો અંતરનો ઓરડો વાળીઝૂડીને સાફ કર્યો છે. સંસારી વસવાટથી દૂર નદીકિનારો પસંદ કર્યો છે. પ્રભુપૂજા માટે મનના મેલ ધોઈ નાખ્યા છે. આ સંજોગોમાં તું એમાં ધનરૂપી વિષ્ટા નાખી રહ્યો છે. હવે તું જ કહે કે મારે તારી સાથે કેવો વર્તાવ કરવો જોઈએ?’

સંતની છૂપી ટકોરની પેલા સજ્જન પર ધારી અસર પડી. આવ્યો હતો એમ જ થેલી લઈને લજામણે લમણે પોતાના પંથે પડ્યો. આ સમર્થ સંતપુરુષ હતા સંત મથુરાદાસજી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK