અનોખી ઉદારતા

Published: 29th December, 2011 06:19 IST

નડિયાદના હરિ ઓમ આશ્રમના સંસ્થાપક અને સંચાલક સ્વ. ‘શ્રી મોટા’ના જીવનનો એક પ્રેરક પ્રસંગ છે.(લાઇફ કા ફન્ડા- હેતા ભૂષણ)


એક વાર શ્રી મોટા કશાક કામવશાત સુરત ગયા હતા અને ત્યાં થોડા દિવસનું રોકાણ કર્યું હતું. આ રોકાણ દરમ્યાન એક દિવસ નમતે પહોરે શહેરમાં એક માર્ગ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા.

તેઓ ચાલતાં-ચાલતાં બે માળના એક મકાન પાસે આવી પહોંચ્યા. તેઓ તો ટેવ મુજબ જમીન પર નજર રાખીને જ પોતાનો પંથ કાપી રહ્યા હતા. તેમની નજર આજુબાજુ કે ઉપરનીચે ફરતી ન હતી એટલે નજીકના મકાનના ઝરૂખામાં કોણ ઊભું છે અને શું કરી રહ્યું છે એનો ખ્યાલ તેમને આવી જ કેવી રીતે શકે?

પેલા મકાનના ઝરૂખામાં એક સ્ત્રી ઊભી હતી. તેના હાથમાં એંઠવાડનું કૂંડું હતું. તેણે ઉતાવળમાં નીચે જોયા વિના કૂંડામાંનો એંઠવાડ નીચે ફેંક્યો ને D શ્રી મોટાના શરીર પર પડ્યો અને તેમનું આખું શરીર એંઠવાડવાળું થઈ ગયું.

ઝરૂખામાંથી એંઠવાડ નાખનાર પેલી સ્ત્રીને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો ત્યારે તેને થયું કે એંઠવાડ જેના પર પડ્યો છે તે માણસ અહીં ઉપર આવીને ઝઘડો કરશે. ગુસ્સે થશે અને ન કહેવાના સખત શબ્દો સુણાવી દેશે.

અને... બન્યું પણ એમ જ કે શ્રી મોટા ઝડપથી મકાનનો દાદરો ચડીને પેલી સ્ત્રી ઝરૂખામાં જ્યાં ઊભી હતી ત્યાં આવી પહોંચ્યા.

તેમને એંઠવાડમાં લથબથ જોઈને પેલી સ્ત્રીને થયું હમણાં જ આ માણસ મને મણ-મણના શબ્દો સંભળાવશે. તે માફી માગવા ઇચ્છતી હતી, પણ શરમ અને ડરને કારણે તત...પપ... થવા લાગી, પણ તેના આશ્વર્ય વચ્ચે કડવા વેણ કહેવાને બદલે મોટાએ તે સ્ત્રીને કહ્યું, ‘બહેન, મારા પર એંઠવાડ ફેંકીને એ પ્રત્યેની મારી ચાલી આવતી સૂગ તમે નષ્ટ કરી મારા પર એક મોટો ઉપકાર કર્યો છે. આ તમારો ઉપકાર હું જિંદગીભર ભૂલી શકું તેમ નથી.’

આ તો શ્રી મોટા છે એવો ખ્યાલ આવતાં તે સ્ત્રી મોટાનાં ચરણમાં પડી ગઈ અને પોતાના દુષ્કૃત્ય બદલ માફી માગવા માંડી અને રડી પડી. શ્રી મોટાએ તેને શાંતિથી કહ્યું, ‘બહેન, હવેથી ખાલી એટલું ધ્યાન રાખજો કે જોયા વિના એંઠવાડ ફેંકશો નહીં.’

સ્ત્રી કશું જ બોલી નહીં, પણ રડતી આંખે સંમતિ આપી અને શ્રી મોટાના મોટા મનની ઉદારતાને હાજર સહુ વંદી રહ્યા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK