ભગવાનની કૃપા

Published: Dec 28, 2011, 06:49 IST

એક ખ્રિસ્તી યુવાન ઑલિમ્પિકની રમતોમાં તરવાની સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો હતો. ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા ધરાવતા કુટુંબમાં તેનો ઉછેર થયો હતો. રોજ ચર્ચમાં જઈ તે ઈશ્વરને પ્રાર્થના કરતો અને મનથી પ્રભુનો આભાર માનતો.(લાઇફ કા ફન્ડા-- હેતા ભૂષણ)


એક દિવસ રાત્રે તેને કંઈ કામ ન હોવાથી સ્વિમિંગ-પ્રૅક્ટિસ કરવાના ઇરાદે તે ઘરની બાજુમાં આવેલા પબ્લિક સ્વિમિંગ-પૂલમાં પહોંચ્યો. હંમેશાં મોડી રાત સુધી ચાલુ રહેતી સ્વિમિંગ-પૂલની બધી જ લાઇટો બંધ જોઈને તેને નવાઈ લાગી, પણ તે અંધારામાં જ આગળ વધ્યો. સ્વિમિંગ-પૂલની આજુબાજુની ઊંચી દીવાલોને કારણે અંધારું પણ ઘણું જ હતું, પણ તે ત્યાંનો જાણીતો હતો અને પોતાની ધૂનમાં મસ્ત હતો. તે પોતાની મસ્તીમાં કૂદકો મારવાના સૌથી ઊંચા પાટિયા-ડાઇવિંગ ર્બોડ સુધી પહોંચ્યો. ઊંધી ડાઇવ મારવા પાટિયા પર ઊંધો ઊભો રહીને બન્ને હાથ પહોળા કર્યા. એ જ સમયે પાછળના રોડ પરની લાઇટને લીધે સામેના બિલ્ડિંગ પર પડતો પોતાનો જ વિશાળ પડછાયો તેની નજરે પડ્યો. પહોળા કરેલા હાથને કારણે પડછાયાનો આકાર વધસ્તંભ પર ચડેલા ભગવાન ઈસુ ખ્રિસ્ત જેવો લાગતો હતો. આમ પણ તે અતિશ્રદ્ધાળુ કુટુંબમાંથી આવતો હતો. આવું દૃશ્ય જોતાં જ તેના દિલમાં આસ્થાનો એક આવેગ આવી ગયો. તેનું મન ભગવાનની યાદથી ભરાઈ આવ્યું. ડાઇવ મારવાનું બે ક્ષણ માટે મુલતવી રાખીને તે પ્રાર્થના કરવા માટે ઝૂક્યો અને મોટેથી પ્રાર્થના કરતાં બોલી ઊઠ્યો, ‘ઓ ગૉડ, પ્લીઝ બ્લેસ મી (અર્થાત હે ભગવાન, મારા પર કૃપા કરો).

જોરથી બોલાયેલા તેના શબ્દો સાંભળી પૂલની રખેવાળી કરતા ચોકીદારે સ્વિમિંગ-પૂલની બધી લાઇટ્સ ચાલુ કરી દીધી. અચાનક પથરાઈ ગયેલા અજવાળામાં પેલા યુવાને નીચે જોયું. એ સ્તબ્ધ અને ગળગળો થઈ ગયો. એ દિવસે સાફસૂફી માટે સ્વિમિંગ-પૂલ ખાલી કરી નાખવામાં આવ્યો હતો. એમાં જરા પણ પાણી નહોતું. જો તેણે એમાં ઊંધો કૂદકો મારી દીધો હોત તો? આ વિચારોથી જ તે ધ્રુજી ઊઠ્યો, કારણ કે પાણી વિનાના સ્વિમિંગ-પૂલમાં પટકાવાથી તેના રામ જ રમી ગયા હોત. ખરેખર ભગવાને તેની પ્રાર્થના સાંભળી હતી. ચોકીદાર લાઇટ ચાલુ કરે એ માટે ઈશ્વરે જ યુવાનને મોટેથી પ્રાર્થના કરવાની પ્રેરણા આપી હતી. તે યુવાન ક્યાંય સુધી ઝૂકીને આંસુ ટપકતી આંખે ભગવાનનો આભાર માનતો બેસી રહ્યો.

ખરેખર, ભગવાનને યાદ કરીએ અને એ ન સાંભળે એવું ક્યારેય બનતું જ નથી. બસ, જરૂર છે ભગવાનને દિલથી સાદ પાડવાની.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK