મિત્રતાની મહેક (લાઇફ કા ફન્ડા)

Published: 19th December, 2014 06:01 IST

બે મિત્રો. બન્નેને ચિત્રકળાનો જબરો શોખ. બન્ને ઉચ્ચ કોટિના કલાકાર જીવ. પરંતુ બન્ને ખૂબ ગરીબ. બેમાંથી એકેયને રોજ આખો રોટલો ખાવા ન મળે. આવી દારુણ દુર્દશામાં કળાનો અભ્યાસ શી રીતે થાય?


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

આગળ શું કરવુંનો વિચાર કરતાં-કરતાં બન્નેને એક માર્ગ સૂઝ્યો. પહેલાં બેમાંથી એક જણે ચિત્રકળા શીખવી અને એટલો સમય બીજા મિત્રએ મહેનતમજૂરી કરી બન્ને જણનું ભરણપોષણ કરવું. પહેલો ભણી રહે એટલે પછી તે કમાવા લાગે અને બીજો મિત્ર ચિત્રકળાનો અભ્યાસ શરૂ કરે. આમ નક્કી થયું એટલે આ બે મિત્રમાંથી એક મિત્ર પોતાના ગુરુ પાસે ચિત્રકળા શીખવા ગયો. દિવસો... મહિના... વર્ષો વીતવા લાગ્યાં. કળાનું એક પાસું શીખ્ો ત્યાં બીજાં દસ નવાં પાસાં શીખવાનાં આવે. કલાકાર પોતાની સાધનામાં જરાય પાછો પડ્યો નહીં. એકાગ્ર ચિત્તથી, પૂરી લગનથી શીખતો રહ્યો.

ધીરે-ધીરે ચિત્રકળાના ક્ષેત્રમાં તે એટલો આગળ નીકળી ગયો કે તેનું નામ ખ્યાતનામ કલાકાર તરીકે દેશવિદેશમાં પ્રખ્યાત થઈ ગયું. હવે પૈસાની તકલીફ રહી નહોતી.

ચિત્રકારની કલાસાધના ચાલતી હતી ત્યારે તેનો બીજો મિત્ર શ્રમસાધના કરી રહ્યો હતો. તે ખાડાઓ ખોદતો, પથ્થરો તોડવા જતો, લાકડાં કાપતો, સતત કામ કરતો; કારણ કે સખત મજૂરી કરી તેણે પોતાનું અને મિત્રનું પેટ ભરવાનું હતું. વર્ષો વીતતાં ગયાં. તે બિચારો ભૂલી જ ગયો કે તેનાં પણ ચિત્રકાર બનવાનાં અરમાન હતાં. હવે તેની કલાસાધનાનો સમય આવી પહોંચ્યો હતો, પરંતુ પરિસ્થિતિ પલટાઈ ચૂકી હતી. વર્ષો સુધી મજૂરી કરવાથી તેના હાથ બરછટ અને ખરબચડા બની ગયા હતા. તેની આંગળીઓનો આકાર પણ બદલાઈ ગયો હતો. હાથમાં પીંછી ઝાલી નાજુક કામ કરવા યોગ્ય તેના હાથ રહ્યા જ નહોતા!

પ્રખ્યાત ચિત્રકારમિત્રને આ વાત છેક હવે આટલાં વર્ષો બાદ ધ્યાનમાં આવી. તેને પારાવાર પસ્તાવો થયો કે મારા મિત્રએ સખત મજૂરી કરી પરસેવો પાડી મને કલાકાર બનાવ્યો, પણ ચિત્રકાર બનવાનું તેનું પોતાનું સપનું અધૂરું  રહી ગયું. તે પોતાના મિત્રને ભેટીને રડવા લાગ્યો... મજૂરી કરનાર મિત્રએ કહ્યું, ‘દોસ્ત, તું ને હું એક જ છીએ. આપણે બન્ને કલાકાર, આપણે બન્ને મજૂર...’

ચિત્રકાર મિત્રએ પોતાનાં બધાં જ ચિત્રો પોતાને મજૂરી કરી ચિત્રકાર બનાવનાર મિત્રને અર્પણ કરવાનું નક્કી કર્યું. એક અદ્ભુત મિત્રતાની મહેક તેનાં ચિત્રોના રંગમાં નહાતી રહી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK