એવી ભક્તિ શા કામની? (લાઇફ કા ફન્ડા)

Published: 19th December, 2012 06:23 IST

એક જુવાન હતો. તેને બાળપણથી જ દેશસેવાની લગની લાગી. તેણે દેશને માટે કેવી રીતે ઉપયોગી બની શકાય એના ઉપાયો વિચારવા માંડ્યા.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક જુવાન હતો. તેને બાળપણથી જ દેશસેવાની લગની લાગી. તેણે દેશને માટે કેવી રીતે ઉપયોગી બની શકાય એના ઉપાયો વિચારવા માંડ્યા.

વિચારતાં-વિચારતાં તેણે જાણ્યું કે ભગવાનની ભક્તિ કરવાથી દેશનો ઉદ્વાર કરી શકાશે. તેણે જીવનને ભક્તિના રંગે રંગી નાખ્યું. સાધુ-સંતોની સેવા કરવા માંડી. ભજન-સત્સંગમાં ભાગ લીધો. કઠોર યોગ સાધના આદરી, ઠેર-ઠેર યાત્રા ધામોની મુલાકાત લીધી.

અને ગંગોત્રી-યમનોત્રી અને બદરી-કેદારની યાત્રા કરીને હિમાલયના સિદ્ધ યોગીઓ સુધી પહોંચી ગયો. યોગીઓની સેવા કરતાં ખૂબ યોગ સાધના કરી તેના ચમત્કારો પણ જોયા.

જુવાનના સંસ્કાર અને તેની ઇચ્છા તો સમાજ અને દેશની સેવા કરવાના હતા ધીરે-ધીરે વધુ સમય જતાં તે હિમાલયની એકલતાથી કંટાળ્યો. તેણે પોતાના યોગી ગુરુને પૂછ્યું, ‘મહારાજ, હું યોગ શીખ્યો. તેના ચમત્કારો મેં જોયા હવે તમે મને એ જણાવો કે આ બધાની મદદથી દેશોત્થાન અને લોકકલ્યાણ કેવી રીતે થઈ શકે?’

ગુરુજીએ આ સવાલ સાંભળીને હબકી જ ગયા. તેમણે આમ જનતાનો તો કદી ખ્યાલ જ કર્યો નહોતો. તે બોલ્યા, ‘સમાજને માટેના યોગના ઉપયોગની તો મને ખબર નથી, બેટા! રામની દુનિયા છે રામ જાણે.’

જુવાન આ સાંભળી ઊભો થઈ ગયો. ગુરુજીના આ વાક્યથી તેના વિચારની દિશા બદલાઈ ગઈ. તેણે તરત જ ગુરુજીની વિદાય લીધી જતાં-જતાં કહ્યું, ‘જે સાધના કે સિદ્ધિનો આખા સમાજને સુખી કરવામાં કશો સદુપયોગ ન હોય તેની પાછળ પડવાનો કંઈ અર્થ નથી’

તે જુવાન હિમાલયથી પાછો પોતાના સમાજ અને કુટુંબમાં આવીને રહેવા લાગ્યો.

આટલાં વરસોથી યોગ-સાધના જે તેણે કરી હતી-શીખી હતી તેમાંથી અને અન્ય રીતે સતત સમાજ અને લોકપયોગી કાર્યો કરવામાં તેણે જીવન ખર્ચી નાખ્યું.

તે જુવાનનું મૂળ નામ કેદારનાથ કુલકર્ણી. મહારાષ્ટ્રમાં ૧૮૮૩માં પાલી ગામમાં આ લોકસેવકનો જન્મ થયો હતો.

આત્મસાધક કેદારનાથજી તરીકે લોકપ્રિય બનનાર સમાજ સેવા-વ્યવહાર શુદ્ધિ આંદોલનના પ્રવર્તક હતા અને સ્વજનો મિત્રો તેમને પ્યારથી ‘નાયજી’ કહેતા.

માત્ર પોતાના ઉદ્ધાર માટે નહીં, પણ સમાજના ઉદ્ધાર માટે કાર્યરત નાયજીને વંદન.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK