(લાઇફ કા ફન્ડા)
સેનાપતિ સમજુ અને વ્યવહારુ કુશળ હતો. તે જાણતો હતો કે સૈનિકોને જો સમયસર પગાર ચૂકવવામાં નહીં આવે તો તેમનામાં ભારે અસંતોષ જન્મશે અને પરિણામે કદાચ તેઓ આ રાજાનું લશ્કર છોડી કોઈ બીજા રાજાના લશ્કરમાં ભરતી થઈ જશે.
આવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે સેનાપતિ ખલીફા પાસે ગયો.
ખલીફાએ તેને પૂછ્યું, ‘કેમ અત્યારે તમારે મારી પાસે આવવું પડ્યું.’
સેનાપતિ બોલ્યો, ‘નામવર, લશ્કરને ઘણા સમયથી પગાર આપવામાં આવ્યો નથી. મને હવે ચિંતા થાય છે.’
ખલીફા બોલ્યા, ‘મને ખબર છે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જાણી જોઈને પગાર આપવામાં આવ્યો નથી.’
સેનાપતિ આશ્વર્યથી બોલ્યા,‘ કેમ? શા માટે આપ એમ કરો છો?’
ખલીફાએ કહ્યું, ‘સેનાપતિ સાંભળો, તમને ખબર જ હશે કે કૂતરાને ભૂખ્યો રાખીએ તો જ એ પૂંછડી હલાવતો-હલાવતો આપણી પાસે આવશે. ભરાયેલા પેટવાળો કૂતરો આપણી પાસે આવશે નહીં. બસ, આવું જ સૈનિકો માટે સમજો.’
ખલીફાની આ દલીલ સાંભળી સેનાપિતને દુ:ખ થયું. ખલીફાની દલીલને રદિયો આપે એવી દલીલ ખલીફા સમક્ષ કરતાં તેણે કહ્યું, ‘નામવર, હવે આપ મારી વાત સાંભળો, આપને એ વાતની પણ ખબર હશે કે ભૂખ્યા કૂતરાને જો કોઈ બીજો માણસ રોટીનો ટુકડો બતાવે તો એ કૂતરો પોતાના મૂળ માલિકને છોડીને રોટીનો ટુકડો આપનાર માણસને પોતાનો માલિક બનાવશે અને તેની પાછળ-પાછળ ચાલવા લાગશે અને આવું જ આપણા સૈનિકો માટે પણ કહી શકાય.’
સેનાપતિની વાત સાંભળી ખલીફા વિચારમાં પડ્યા.
સેનાપતિએ આગળ કહ્યું, ‘નામવર, અત્યારે જ આપણા સૈનિકોમાં અસંતોષ પ્રવર્તે છે. જો સૈનિકોને આપણે ત્યાં પગાર સમયસર નહીં મળે તો તેઓ બીજા રાજાના લશ્કરમાં ભરતી થઈ જશે જ્યાં નિયમિત પગાર આપવામાં આવતો હશે.’
ખલીફાને સેનાપતિની વાતમાં ભારોભાર તથ્ય લાગ્યું.
તેમણે તરત જ ફરમાન કર્યું કે સૈનિકોને તરત જ વેતન ચૂકવો અને બીજે જ દિવસે લશ્કરના તમામ સૈનિકોને તેમનો પગાર મળી ગયો એટલું જ નહીં, એ દિવસથી સૈનિકોને નિયમિત પગાર અને સવલતો મળવા લાગ્યાં.
- હેતા ભૂષણ