દરેક કામ તરત પૂરું કરો (લાઇફ કા ફન્ડા)

Published: Nov 18, 2014, 04:56 IST

અમેરિકાના વિખ્યાત મનોચિકિત્સક ડૉ. વિલિયમ એલ. એડગર પાસે ‘નર્વસ-બ્રેકડાઉન’થી પીડાતા શિકાગો શહેરમાં વેપારી પેઢી ધરાવતા ધનપતિ સારવાર માટે આવ્યા. તેઓ ગભરાયેલા, મૂંઝાયેલા, ચિંતાથી ઘેરાયેલા અને પુષ્કળ ટેન્શન અનુભવતા હતા. તેમણે પોતાની રામકહાણી મનોચિકિત્સકને કહેવાની શરૂઆત કરી. તેમની વાતનો સાર હતો કે ખૂબબધું કામ, કામના ઢગલા અને એકે ઘડીની ફુરસદ નહીં છતાં કામ તો બાકી જ રહે છે..


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

તેમની વાતો ચાલુ હતી ત્યાં ડૉ. એડગર પર એક ફોન આવ્યો અને તેમણે એનો ત્વરિત ઉત્તર આપી દીધો. માર્ગદર્શન પણ આપ્યું. થોડી વારમાં બીજો ફોન આવ્યો અને ફોન કરનારે મળવાનો સમય માગ્યો. ડૉ. એડગરે તરત જ ડાયરી જોઈને સમય આપ્યો. પછી ફરી એડગર નિરાંતે ધનિક દરદીની વ્યથાની કથા સાંભળવા લાગ્યા.

શિકાગોમાં વેપારી પેઢી ધરાવતા એ સજ્જન એડગરની કાર્યપદ્ધતિ અત્યાર સુધી જોતા રહ્યા અને તેમના મનમાં ચમકારો થયો. તેમણે એડગરને કહ્યું, ‘મારે તમારા ટેબલનાં બધાં ખાનાં જોવાં છે.’

ડૉ. એડગરે હસતાં-હસતાં તેમને બધાં ખાનાં જોવા દીધાં. ટેબલનાં ખાનાં જોતાં ખ્યાલ આવ્યો કે એકમાત્ર ‘સપ્લાય’ કરવાના ખાના સિવાય બીજાં બધાં ખાનાં ખાલી હતાં.

ધનિક દરદીએ પૂછ્યું, ‘ડૉક્ટર તમારા બાકી કામનાં કાગળો ક્યાં છે?’

ડૉક્ટરે જવાબ આપ્યો, ‘ભાઈ, સઘળં કામ પૂરું થઈ ગયું છે. જરૂરી કાગળો ફાઇલ થઈ ગયાં છે.’

ધનિકે પૂછ્યું, ‘પણ જવાબ આપવાના પત્રો તો બાકી હશેને?’

ડૉ. એડગરે કહ્યું, ‘ના હું કોઈ પણ પત્રનો જવાબ તરત જ મારી સેક્રેટરીને લખાવી દઉં છું. કોઈ પત્રવ્યવહાર બાકી રાખતો નથી.’

શિકાગોમાં વેપારી પેઢી ધરાવનાર ધનપતિને ડૉ. એડગર સાથેની વાતોથી સમજાઈ ગયું કે ‘તમેની સૌથી મોટી ભૂલ એ હતી કે કોઈ પણ કામનો ત્વરિત ઉત્તર કે ઉકેલ લાવવાને બદલે એ કામને અધ્ધર લટકાવી દેતા હતા. આને પરિણામે કામ ભેગાં થતાં, કાગળો ભેગાં થતાં અને પત્રો ભેગા થતાં કામ બાકી રહેતાં આ અવ્યવસ્થા અને આળસ જ એના ટેન્શનનું કારણ હતાં.’

ડૉક્ટરે પોતાના ઉદાહરણથી જ ધનિકની મુશ્કેલી એક વાક્યમાં દૂર કરીને કહ્યાં, ‘દરેક કામ તરત પૂરું કરો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK