પશ્ચાત્તાપનો પુરસ્કાર (લાઇફ કા ફન્ડા)

Published: 17th December, 2014 06:04 IST

લાલબહાદુર શાસ્ત્રીજીએ પોતાની યુવાનીમાં એક પ્રણ લીધું હતું કે ક્રોધ ન કરવો. કામ ઘણું જ મુશ્કેલ હતું તો પણ શાસ્ત્રીજીએ ગજબ આત્મસંયમ દાખવ્યો હતો.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

ઉત્તર પ્રદેશની સરકારમાં જ્યારે તે સંસદ સચિવ હતા ત્યારે એક પ્રસંગ બનેલો. નિયત સ્થળેથી જવા એક ઘોડાગાડીમાં તે બેઠા. એ સ્થળે પહોંચાડતા રસ્તાની ખબર નહીં એટલે ઘોડાગાડીવાળાએ તેમના અજ્ઞાનનો પૂરો ગેરલાભ લીધો. શહેરમાં લાંબો ચકરાવો લગાવી તે આખરે નિયત સ્થળે લઈ ગયો. આમ થતાં શાસ્ત્રીજી સમય કરતાં મોડા પડ્યા અને વળી તેમને ભાન થયું કે આ ઘોડાગાડીવાળાએ લાંબો ચકરાવો લઈ વધુ ભાડું મેળવવા માટે ચાલાકી કરી છે. આમ ચકરાવો મારવાને બદલે ટૂંકે રસ્તે જો તે લાવ્યો હોત તો આ સ્થળે સમયસર પહોંચી શકાયું હોત.

ઘોડાગાડીવાળાએ તેમને ઠગ્યા એટલે તેમનો પિત્તો ઊછળી આવ્યો. ક્રોધ ન કરવાનું પોતાનું પ્રણ હતું છતાં શાસ્ત્રીજી ગુસ્સે થઈ ગયા અને મોટા અવાજે અને કઠોર ભાષામાં પેલાને ખૂબ-ખૂબ ખખડાવ્યો. શાસ્ત્રીજીનો અવાજ સાંભળી લોકોનું ટોળું  જામ્યું એટલે ગાડીવાળો વધુ છોભીલો પડી ગયો.

બસ, એ જ ક્ષણે શાસ્ત્રીજીને પોતાનું પ્રણ યાદ આવી ગયું, અરે રે મને ગુસ્સો આવી ગયો. ન બોલવાનું બોલાઈ ગયું. કઠોર ભાષાનો પ્રયોગ કરી મેં કોઈના હૃદયને આઘાત પહોંચાડ્યો.

તેમણે તરત જ નમ્ર બની ઘોડાગાડીવાળાની માફી માગી, ‘માફ કર ભાઈ, મારાથી ગમેતેમ બોલાઈ ગયું. પણ તું મનમાં ઓછું ન આણતો. તંે મને ઠગ્યો એ તારો ગુનો કહેવાય, પણ હું તારા ઉપર ક્રોધે ભરાયો એ મારો પણ ગુનો જ કહેવાયને?’

આટલું બોલીને શાસ્ત્રીજીએ ઘોડાગાડીવાળાના હાથમાં બે રૂપિયા મૂક્યા. પેલા સ્થળ પર પહોંચવાનું ભાડું આઠ આના થતું હતું. ઘોડાગાડીવાળાએ બાકીનું પરચૂરણ શાસ્ત્રીજીને પાછું આપ્યું.

શાસ્ત્રીજીએ માફી માગતાં કહ્યું, ‘રહેવા દે ભાઈ, મેં તારા દિલને દુભાવ્યું છે. આ તો મારા પશ્ચાત્તાપનો પુરસ્કાર છે માત્ર.’

આટલું બોલી શાસ્ત્રીજી પોતાના કામે આગળ વધી ગયા અને પોતાની સજ્જનતા વડે પેલાને નવો પાઠ શીખવાડતા ગયા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK