ગીતાનું મહત્વ (લાઇફ કા ફન્ડા)

Published: Nov 17, 2014, 05:12 IST

બ્રિટનના વૈજ્ઞાનિક ડૉ. જૉન બર્ડન સૅન્ડરસન હાલ્ડેને ઈ. સ. ૧૯૨૨માં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં માનવશરીરમાં થતી રારાયણિક ક્રિયાઓ વિશે સંશોધન કર્યું. આ સંશોધને તેમને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

આગળ જતાં તેઓ ધર્મ અને આધ્યાત્મિક રહસ્યનું અધ્યયન કરવા લાગ્યા. અનેક ધર્મના ગ્રંથો તેમણે વાંચ્યા. હિન્દુ ધર્મગ્રંથો પણ એમાં સામેલ હતા. તેમણે જ્યારે શ્રીમદ્ ભગવદ્ગીતાનું અધ્યયન શરૂ કર્યું ત્યાર બાદ તેઓ ગીતાના અધ્યયનમાં લીન થઈ ગયા, પરંતુ જેમ-જેમ અભ્યાસ કરતા ગયા તેમ-તેમ તેમનો ભૌતિકતા માટેનો મોહ ઘટવા માંડ્યો. તેમને લાગ્યું કે માત્ર ભૌતિક સાધનોથી માનવીને ક્યારેય સાચી શાંતિ કે સુખ પ્રાપ્ત થશે નહીં, સાચું સુખ પામવા માટે તો શ્રીમદ્ ભગવદ્ગીતા જેવા ગ્રંથોનું અધ્યયન કરવું પડે.

તેમને ભારત દેશ જોવાની ઇચ્છા જાગી અને ૧૯૫૧માં તેમની પત્ની સાથે ભારતભ્રમણ કરવા આવ્યા. અહીં ભુવનેશ્વરમાં જુદા-જુદા ધર્મના પ્રચારકો એકત્ર થયા હતા. અચાનક એક બ્રિટિશ ધર્મપ્રચારકે આ વિજ્ઞાનીને જિજ્ઞાસાથી પૂછ્યું, ‘તમે એક અંગ્રેજ છો તેમ છતાં ગીતાને કેમ સર્વશ્રેષ્ઠ ગ્રંથ માનો છો? આ દુનિયામાં તો અનેક ધર્મગ્રંથો છે. બાઇબલ છે. છતાં ગીતાથી ચડિયાતો બીજો કોઈ ગ્રંથ નથી?’

બ્રિટિશ ધર્મપ્રચારકની વાત સાંભળીને ડૉ. હાલ્ડેને કહ્યું, ‘ગીતા નિરંતર નિષ્કામ કર્મ કરવાની પ્રેરણા આપીને આળસુ વ્યક્તિને પણ કર્મ કરતી કરે છે. એ ભક્તિ અને કર્મને પરસ્પરનાં પૂરક સમજાવે છે. અને સૌથી ખાસ સમજવાની વાત એ છે કે ગીતા એ કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મનો નહીં, પણ સમગ્ર માનવમાત્રના સંપૂર્ણ કલ્યાણનો સંદેશ આપે છે. ગીતા હું જેટલી વાર વાંચું છું એટલી વાર કંઈક નવીન વિચાર, કંઈક નવું ઊંડાણ જાણી અદ્ભુત આનંદ અનુભવું છું. ગીતાએ મને એટલો અને એવી રીતે મને પ્રભાવિત કયોર્ હોવાથી હું વિજ્ઞાની હોવા છતાં એને મારા સંશોધક જીવનને માટે ઉપયોગી માનું છું. હું તો આપને પણ ખાસ કહું છું કે આપ પણ ખાસ એક વાર ગીતા વાંચી જોજો.’

ડૉ. હાલ્ડેનની વાત સાંભળી બ્રિટિશ ધર્મ પ્રચારક નિરુત્તર બની ગયા.

વિદેશીઓ આપણી સંસ્કૃતિને જાણે, સમજે, સ્વીકારે. આપણે પણ આપણી સંસ્કૃતિને નજીકથી જાણીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK