તમારો હરીફ (લાઇફ કા ફન્ડા)

Published: Oct 16, 2014, 05:26 IST

એક ચિંતકે સુંદર મજાનો લેખ લખ્યો. તેઓ લખે છે:


લાઇફ કા ફન્ડા

મારો એક દુશ્મન હતો. જોકે તેનો ચહેરો કેવો હતો એની મને ખબર નહોતી. તે મને જીવનના ડગલે ને પગલે નડતો. તેને ઓળખવા, જાણવા, તેનો ચહેરો જોવા માટે મેં ભારે મહેનત કરી; પણ મને એમાં સદા નિષ્ફળતા મળી. મારા તે સૌથી મોટા દુશ્મનને હું ઓળખી શકતો નહોતો.

તે દુશ્મન ચોરીછૂપીથી સતત મારો પીછો કરતો રહેતો, મારા દરેક કામ અને યોજના પર પાણી ફેરવી દેતો હતો એટલે તેને કારણે હું મારા ધ્યેય સુધી પહોંચી શકતો નહીં. મારો તે શત્રુ જ મારી પ્રગતિને રૂંધતો હતો, મારા માર્ગનો અવરોધ હતો.

ઘણી વાર હું કોઈ મોટા ધ્યેયને સિદ્ધ કરવા માટે પરિશ્રમ ઉઠાવતો તો તે નિરાશાજનક સૂરમાં એમ ન કરવા માટે ટકોર કરતો.

એક દિવસ મેં નક્કી કર્યું અને ચોરીછૂપીથી રમત રમતા શત્રુને મેં પકડી પડ્યો. તેના ચહેરા પરથી છેવટે મેં તેનો મુખવટો ખેંચી કાઢ્યો. તેનો ચહેરો જોઈને હું ચમકી ગયો, કારણ કે દુશ્મનરૂપે સામે મારો જ ચહેરો હતો!

આ જ જીવનની હકીકત છે. આપણે પોતે જ પોતાના દોસ્ત છીએ અને પોતે જ પોતાના શત્રુ. આપણી પ્રગતિના માર્ગનું સૌથી મોટું નડતર હોય તો એ છે આપણી પોતાની જ જાત.

આપણી પાસે અનેક મુશ્કેલી-ફરિયાદો છે. આખી દુનિયા પર આપણે મુશ્કેલીઓ અને ફરિયાદોનો આરોપ મૂકીએ છીએ, પરંતુ એ હંમેશાં ભૂલી જઈએ છીએ કે ફરિયાદોના ઢગલાની મોટા ભાગની ફરિયાદો ઊભી કરનાર આપણે જ છીએ.

આપણી સૌથી મોટી મુશ્કેલી અને સમસ્યા છે કોઈ પણ પરિસ્થિતિ તરફ ફરિયાદ કરવી, કોઈ પણ કાર્ય ન કરી શકવા પર બહાનાં કાઢવાં. આ બહાનાબાજી અને અન્ય તરફ ફરિયાદ કરવાની વૃત્તિ જ આપણી પ્રગતિને અવરોધે છે.

અને જે પોતાની અંદર છુપાયેલા આ શત્રુને ઓળખે છે અને ફરિયાદ કરવાની, બહાનાબાજી કરવાની વૃત્તિને દૂર ફગાવી પોતાની પ્રચંડ ક્ષમતાને જાણીને આગળ વધે છે તે જ સફળતાનાં સોપાન સર કરી શકે છે.

- હેતા ભૂષણ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK