(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)
કોઈ તમને એક રૂપિયો જ આપે તો એનાથી શું થાય, પણ ના સાવ એવું નથી. એક રૂપિયામાંથી લાખો રૂપિયાનું સર્જન કરનાર એક વિરલ મહિલાની આજે અહીં વાત કરવી છે. વરસો પહેલાંની આ કથા છે.
અમેરિકાના જ્યૉર્જિયા રાજ્યના રોમ ગામની આ મહિલાનું નામ છે ‘માર્યા બેરી’. પોતાના ગામમાં એક સ્કૂલ ઊભી કરવા માટે તેણે ફન્ડ એકઠું કરવા ભારે પુરુષાર્થ શરૂ કર્યો.
સ્કૂલ માટે દાન મેળવવા માટે એક દિવસે તે વિખ્યાત ફૉર્ડ મોટર કંપનીના માલિક હેન્રી ફૉર્ડ પાસે ગઈ. મદદરૂપ થવાની ભાવનાથી ફૉર્ડ સાહેબે તરત જ કાંઈ આપવા ખિસ્સામાં હાથ નાખ્યો તો દસ સેન્ટનો સિક્કો નીકળ્યો એ તેને આપ્યો! (એકસો સેન્ટનો એક ડૉલર થાય એટલે આ તો એક ડૉલરનો દસમો ભાગ થાય!)
આવો અતિ ધનવાન માણસ આવા ઉમદા કાર્ય માટે માત્ર એક નાનો સિક્કો દાનમાં આપે એથી સ્વાભાવિકપણે અપમાન જેવું લાગે અને નારાજ પણ બહુ જ થવાય, પણ માઠું લગાડે તો માર્યા શેની? માર્યા તો જુદી માટીની હતી.
આ ‘દાન’થી નાહિંમત થવાને બદલે કલ્પનાશીલ માર્યાએ મગફળીનું વાવેતર કરવા માટેના બિયારણનું એક પૅકેટ આ રકમથી ખરીદ્યું. પૂરી કાળજી અને માવજતપૂર્વક મગફળીનો પાક લેવા તેણે જરૂરી પુરુષાર્થ કર્યો અને પરિણામે મબલખ પાક ઊતર્યો એ વેચીને સારી એવી રકમ મેળવી.
આ પછી માર્યા ફરી ફૉર્ડ સાહેબ પાસે ગઈ અને ઉપકારના ભાવથી દસ સેન્ટનો સિક્કો તેમને આપતાં કહ્યું, ‘ગયા વર્ષે તમે આપેલા દસ સેન્ટના આ સિક્કાએ તો કમાલ કરી.’ માર્યાનું આ વાક્ય સાંભળી ફૉર્ડ સાહેબ આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યા.
પ્રતિકાત્મક એ ‘દાન’ની રકમના રોકાણથી જે વળતર મેળવ્યું એની માર્યાએ પછી વિગતે વાત કરી. ફૉર્ડસાહેબ માર્યાની વાત સાંભળી એટલા બધા પ્રભાવિત થયા કે પછીના વરસોમાં તેમણે માર્યા બેરી સ્કૂલ માટે લાખો ડૉલરનું દાન આપ્યું. અત્યારે આ સ્કૂલ કાર્યરત છે અને એક આદર્શ શાળા તરીકે ઘણી વિખ્યાત છે.
આમ તો એક રૂપિયાથી શું થાય? પણ માર્યાએ જે કરી બતાવ્યું એમ કરાય તો ચમત્કાર સર્જી શકાય.
મહેનત અને કલ્પનાશક્તિ એકમાંથી અનેક સર્જવાની તાકાત આપે છે.