એક ગરીબ સુથારનો છોકરો નામ ચેન્સી. પાંચ વર્ષથી તેના બાપની સામે તે કરવત ખેંચવા બેસતો.
(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)
એક ગરીબ સુથારનો છોકરો નામ ચેન્સી. પાંચ વર્ષથી તેના બાપની સામે તે કરવત ખેંચવા બેસતો.
‘અલ્યા તારા નાના હાથ નથી દુખતા?’ પિતાના મિત્રો પૂછતા.
‘ના-ના, અત્યારથી વળી થાક કેવો?’ એમ કહીને લાકડાના નાના નકામા ટુકડા લઈને નાની-નાની ગાડીઓ ને હાલતી ચાલતી ખિસકોલીઓ બનાવવાના કામમાં લાગી જતો.
તે છોકરાને ભણવાની બહુ તમન્ના હતી, પણ તેનો બાપ તેને પરોઢથી મોડી રાત સુધી કામમાં જોતરી રાખતો. એટલે લાચારીપૂર્વક તેણે ભણવાનો વિચાર માંડી વાળ્યો. મોડી રાત સુધી બાપની સાથે કામ કરીને છૂટા થયા પછી, લૂસ-લૂસ ખાઈને તે સીધો પોતાના ભંડકિયામાં પેસી જતો અને નાનાં-નાનાં હથિયારો વડે લાકડાની પટ્ટીઓ અને ખાંચાવાળાં પૈડાં બનાવ્યા કરતો.
એક આખું પૈડું બનાવતાં પહેલાં તેને હાથે આઠ-દસ પૈડાં તૂટી જતાં પણ તે ધીરજથી પોતાનું કામ કર્યે જતો.
છેવટે ઘણી બધી મહેનત બાદ એક દિવસ તેણે પિતા પાસે પાટિયાનો મોટો ટુકડો માગ્યો.
‘શું કામ કરે છે?’ બાપે પૂછયું.
ચેન્સીએ કહ્યું, ‘મારે ઘડિયાળનો ચંદો બનાવવો છે!’
પિતા બોલ્યો, ‘પહેલાં ઘડિયાળ તો બનાવ.’
ચેન્સીએ કહ્યું, ‘એ તો મેં તૈયાર કરી લીધી છે.’ બતાવ તો ખરો! બાપે એમ જ મશ્કરીમાં કહ્યું.
ચેન્સી દોડીને ભંડકિયામાં જઈને પોતે બનાવેલું લાકડાનું ઘડિયાળ લઈ આવ્યો. ઉચ્ચાલન વજન મૂકીને તેણે ચાલુ કર્યું તો
‘ખદ ખદ’ અવાજ સાથે એ ચાલવા માંડ્યું.
આ જોઈને પિતાશ્રી દંગ થઈ ગયા પછી ખુશીથી કહ્યું, ‘ચાલ, હું તને ચંદો બનાવી આપું.
એને ગોળાકારે કાપીને તેણે ચંદો બનાવ્યો. વાંસની તૂટેલી ભૂંગળીમાંથી બે ચિપો કાઢી બે કાંટા બનાવ્યા અને ઘડિયાળ તૈયાર થઈ ગઈ.
દૂર એક બિલાડીને હલતા લોલકમાં ઉંદરનો ભાસ થયો કે શું બિલાડીએ ઘડિયાળ પર તરાપ મારી. ઘડિયાળનાં નાજુક યંત્રો તૂટી ગયાં. દીકરાની મહેનત એળે ગઈ જોઈ બાપને ખૂબ જ દુ:ખ થયું, પણ ચેન્સીએ તેમને ધરપત આપી અને તરત જ અગાઉના અનુભવ પરથી નવું ઘડિયાળ બનાવવાના કામમાં લાગી ગયો. અને તે તેણે ગામની સુધરાઈને ભેટ આપ્યું.
મોટા થઈ આ ચેન્સીએ ઘડિયાળ બનાવવાનું કારખાનું શરૂ કર્યું. એક વખત તેમાં ભયંકર આગળ લાગી ઘણું નુકસાન થયું, પણ બીજે જ દિવસે ચેન્સીએ નવી ફૅક્ટરીના પાયા ખોદવા માંડ્યા.
પોતાનાં કાર્યોમાં સતત લાગેલા રહેવું એક એવું સાધન છે, જે સફળતા અપાવે જ છે. અડચણો શ્રદ્ધા-મહેનત સામે ઝૂકી જાય છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK