પોતે બાંધેલા મકાનમાં... (લાઇફ કા ફન્ડા)

Published: 13th December, 2012 06:12 IST

એક મિસ્ત્રીની આ બનેલી વાત છે. કુટુંબ સાથે નિરાંતે રહેવા તેણે રિટાયર થવાનું નક્કી કર્યું. આમેય તેની ઉંમર થઈ હતી અને હવે કામ થતું ન હતું.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક મિસ્ત્રીની આ બનેલી વાત છે. કુટુંબ સાથે નિરાંતે રહેવા તેણે રિટાયર થવાનું નક્કી કર્યું. આમેય તેની ઉંમર થઈ હતી અને હવે કામ થતું ન હતું.

તેણે તેના શેઠને કહ્યું, ‘હવે મારે રિટાયર થવું છે, ભલે મારી ચાલું આવક બંધ થાય અને એથી થોડી તકલીફ પડે, પણ કુટુંબ સાથે હવે શાંતિથી રહેવું છે.

મકાન બાંધવાના કડિયાકામ અને સુથારી-કામનો નિષ્ણાત એવો આ સારો કારીગર કામ કરવાનું બંધ કરે એ તેના શેઠને ગમ્યું નહીં. શેઠે તેને કહ્યું, ‘એક નવું ઘર આપણે બાંધીએ ત્યાં સુધી તું મારી ખાતર કામ કર.’

મિસ્ત્રી ના ન પાડી શક્યો. તેણે કમને હા પાડી. મકાન બાંધવાનું તેણે શરૂ કર્યું. પણ એ દેખાઈ આવતું હતું કે કામમાં હવે તેનું દિલ ન હતું, તેની કામગીરી નબળી હતી અને માલસામાન પણ હલકો વપરાતો હતો. તેની જિંદગીનું આ છેલ્લું કાર્ય ઢંગધડા વિનાનું થયું એ ખૂબ જ દુ:ખદ ઘટના હતી. મકાન પૂરું થયું એટલે મિસ્ત્રીએ શેઠને જોવા બોલાવ્યા. શેઠે મકાનની ચાવી મિસ્ત્રીના હાથમાં મૂકતાં કહ્યું, ‘આ ઘર હું તને ભેટ આપું છું.’

મિસ્ત્રી અવાચક બની શેઠની સામે જોઈ રહ્યો. આમ તો, મકાન ભેટ મળે ત્યારે આનંદનો પાર ન રહે પણ મિસ્ત્રીને આનંદને બદલે આઘાત થયો અને જો એ ખબર હોત કે આ મકાન તો તેને મળવાનું છે તો તેણે કેટલી કાળજી લીધી હોત! પણ હવે તો આવા નબળા બાંધકામવાળા મકાનમાં રહેવું પડશે.

આપણું પણ આવું જ છે. આપણે ઘણું બધું વગર વિચાર્યે કરતાં હોઈએ છીએ. ખરે વખતે આપણે દિલ દઈને કામને પૂરેપૂરો ન્યાય આપતાં નથી. પછી આપણા અધકચરા કામનું પરિણામ જોઈને આપણને આઘાત થાય છે. આપણે આવી રીતે બાંધેલા મકાનમાં રહેવું પડે છે.

આપણે જ આપણા જીવનના કારીગર છીએ. મિસ્ત્રીની જેમ આપણે રોજ જીવનમાં ખીલા ખોડીએ છીએ, દિવાલો બાંધીએ છીએ.

આપણે જે કંઈ કરીએ એ પૂરા દિલથી - મન દઈને ગૌરવપૂર્વક કરીએ. આપણી આજ આપણે ગઈ કાલે શું કર્યું અને કેવી રીતે કર્યું એનું પરિણામ છે અને આપણે આજે જે કરીશું એનું પરિણામ આવતી કાલે મળશે માટે જ કરીએ એ સચોટ દિલથી અને સારું કામ કરીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK