શ્રેષ્ઠ કોણ? (લાઇફ કા ફન્ડા)

Published: 13th November, 2014 05:14 IST

એક દિવસ બગીચામાં ફૂલો વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો. બધાં જ ફૂલો સૌથી શ્રેષ્ઠ કોણ એ બાબત પર ઝઘડવા લાગ્યાં.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)


ગુલાબે કહ્યું : ‘મારી મીઠી સુગંધ અને સુંદર પાંદડીઓ. હું સૌથી શ્રેષ્ઠ છું.’

સૂરજમુખી કહે, ‘હું સૌથી સુંદર છું.’

કમળ કહે, ‘હું સૌથી સુંદર છું.’

કંઈ નિર્ણય ન નીકળતાં સૂરજમુખી કહે, ‘મનુષ્ય સૌથી બુદ્ધિશાળી છે. તેને નક્કી કરવા દઈએ.’

બગીચામાં એક માનવીએ પ્રવેશ કર્યો. સૌથી પહેલાં તેની નજર કમળના ફૂલ પર પડી, પણ સુંદર કમળને તોડવા જતાં જ તેના પગ કાદવવાળા થઈ ગયા. તેણે મનમાં કહ્યું, મારા પગ ગંદા થાય એવું ફૂલ હું શું કામ તોડું.

કમળનું દિલ તૂટી ગયું... અરેરે! હું કાદવમાં ખીલું એમાં મારો શું વાંક?

માનવીની નજર ગુલાબના ફૂલ પર પડી. ગુલાબ મનોમન હરખાતું હતું કે હું તો છું જ મનમોહક. બધાને ગમું છું. માનવી ગુલાબથી આકર્ષાઈને એને તોડવા ગયો અને તેના હાથમાં કાંટા વાગ્યા. માનવી દૂર ચાલ્યો ગયો. ગુલાબ નિરાશ થઈ ગયું કે આ મારા કાંટા મને શ્રેષ્ઠ નહીં થવા દે.

સૂરજમુખીનું ફૂલ ખૂબ જ સુંદર, કાંટા પણ નહીં, કાદવ પણ નહીં. માનવી એની નજીક ગયો. સૂરજમુખીમાં બિલકુલ સુગંધ નહોતી. એથી પાછો વળી ગયો. સૂરજમુખી પણ દુખી થઈ ગયું.

પવનની લહેરખી આવી અને સુંદર સુગંધ લઈ આવી. માનવી એ સુગંધ તરફ ગયો. સુગંધ નાનકડા ચમેલીના ફૂલની હતી. માનવીએ કહ્યું, અરે! આ તો કેટલું નાનું ફૂલ છે. મને તો મોટું ગમે.

ચમેલી વિચારવા લાગ્યું કે મારો આકાર એટલો નાનો કે કોઈને ગમે જ નહીં.

બધાં ફૂલો પોતાની ખામી જાણીને દુખી થઈ ગયાં. ત્યાં એક ભમરો આવ્યો. એણે બધી વાત જાણી, પછી બધાને કહ્યું, ‘તમે બધાં ખાસ છો. ગુલાબના કાંટા સૌને પ્રેરણા આપે છે કે કુમળી વસ્તુ ક્યારેય નબળી નથી હોતી. કમળ કાદવમાં રહી સુંદરતાનું પ્રતીક છે. સૂરજમુખીમાં સુગંધ નથી તો શું... સૂરજ જેવો પ્રભાવશાળી દેખાવ છે. ચમેલીમાં અદ્ભુત સુગંધ... કહેવાય છે કે નાનકડી વસ્તુ પણ વિશેષ હોય છે. ગલગોટાની નાની પાંદડીઓ... કહેવાય છે કે ઝીણી-ઝીણી વસ્તુ સાથે મળીને સુંદરતા સર્જે છે. એકતાનું પ્રતીક છે તમે બધાં. ખુશ થાઓ. તમે બધાં ખાસ છો, શ્રેષ્ઠ છો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK