નિષ્ફળતાનો નાદ (લાઇફ કા ફન્ડા)

Published: 13th November, 2012 06:35 IST

વિખ્યાત ગાયક અને સ્વરનિયોજક પંકજ મલિકને એક ગીતના શબ્દો આપવામાં આવ્યા હતા. એ શબ્દો માટે તેમણે સ્વર નિયોજન કરવાનું હતું.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

વિખ્યાત ગાયક અને સ્વરનિયોજક પંકજ મલિકને એક ગીતના શબ્દો આપવામાં આવ્યા હતા. એ શબ્દો માટે તેમણે સ્વર નિયોજન કરવાનું હતું. ફિલ્મના દિગ્દર્શકે તેમને કહ્યું કે ‘સંગીત એવું રચજો કે લોકોના હૃદયમાં વસી જાય.’ તેમણે આ ચૅલેન્જ સ્વીકારી અને શબ્દો ને સ્વરોની દુનિયામાં પોતાની જાતને ખોઈ નાખી.

બીજા દિવસે સવારે એક સરસ ધૂન મનમાં જાગી એની સ્વરલિપિ તેમણે તૈયાર પણ કરી, પણ તેમના ચકોર મનને ખ્યાલ આવી ગયો કે અંતરામાં અવળા સૂરો પેસી ગયા હતા. આથી ગીતની મજા બગડતી હતી.

એ સ્વરોને બદલવાનો પ્રયત્ન કરતાં આખું ગીત ફિક્કું પડી જતું હતું. તેમણે નવું સ્વરાંકન કર્યું, પણ મેળ પડ્યો નહીં.

છેવટે તેમણે ફિલ્મના મુખ્ય દિગ્દર્શકને કહ્યું કે પોતે આ કામ નહીં કરી શકે.

દિગ્દર્શકે કહ્યું, ‘શું પંકજ મલિક આ શબ્દો બોલે છે?’

‘હા, કહેતાં શરમ આવે છે, પણ ન જાણે કેમ, શબ્દો અને સ્વરોનો સંગમ થતો જ નથી,’ સંગીતકારે દુખી અવાજે કહ્યું.

દિગ્દર્શક બોલ્યા, ‘તમારા જેવા મહાન સ્વર સ્વામીને આ શબ્દો શોભતા નથી.’

પંકજ મલિકે નિરાશ સ્વરે કહ્યું, ‘પણ હું શું કરું?’

દિગ્દર્શકે કહ્યું, ‘એમ કરો, તમને જે સારામાં સારી અને ખરાબમાં ખરાબ લાગી હોય એવી બે સ્વરલિપિઓનો વિચાર કરી જુઓ.’

‘સારું.’ કહીને સંગીતકાર મલિક ઘરે ગયા અને પોતાની ભૂલો તપાસવા લાગ્યા. ત્યાં તેમને એક વિચાર આવ્યો.

તેમણે એક સારી ને એક સાવ બોદી સ્વરરચના ભેગી કરી. એને થોડી મઠારી અને એ નવી સ્વરલિપિ કાગળ ઉપર ઉભારી લીધી.

એ ધૂન હાર્મોનિયમ ઉપર બેસાડે છે ત્યાં જ બહારથી અવાજ આવ્યો, ‘શાબાશ, કમાલની તરજ છે તમારી- દિગ્દર્શક બોલતાં-બોલતાં અંદર આવ્યા.’

સ્વરધૂન ચાલુ રાખતાં જ મલિકે પૂછયું, ‘તમને ખરેખર ગમી?’

દિગ્દર્શકે કહ્યું, ‘ગમે એટલે? હું તમને ખાતરી આપું છું કે વર્ષો સુધી તમારી આ ધૂન લોકોના હૃદયમાં ગુંજતી રહેશે.’

દિગ્દર્શકની આ ભવિષ્યવાણી પૂરેપૂરી સાચી પડી. આજે પણ સંગીતપ્રેમીઓ ‘ધીરે સે જાતા બગિયન મેં ભંવરે...’ સાંભળે છે ત્યારે મુગ્ધ બની સાંભળી રહે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે એમાં મહાન સંગીતકારની નિષ્ફળતાનો નાદ પણ વણાઈ ગયો છે.

જો આ ગીતના શબ્દો સાથેની પહેલી નિષ્ફળતાથી હારી જઈને પંકજ મલિકે આગળ કામ ન કર્યું હોત તો આટલું સુંદર ગીતસર્જન ન થાત.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK