અશક્ય લાગે, પણ... (લાઇફ કા ફન્ડા)

Published: 12th December, 2012 06:46 IST

વંદના પોતાની બહેનપણી પૂજાને મળવા જવાની હતી. મળવાના નક્કી કરેલા સમય કરતા વંદના પોણો કલાક મોડી પડી હતી.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

વંદના પોતાની બહેનપણી પૂજાને મળવા જવાની હતી. મળવાના નક્કી કરેલા સમય કરતા વંદના પોણો કલાક મોડી પડી હતી.

પૂજા ક્યારની રાહ જોતી ઊભી-ઊભી કંટાળી હતી. વંદના દોડતી-દોડતી આવી. તેણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું, ‘સૉરી પૂજા, મોડું થઈ ગયું. હું ગમે એટલી સમયસર પહોંચવાની કોશિશ કરું મોડી જ પડું છે. આનું શું કરવું એ મને સમજાતું નથી.’

પૂજાએ પહેલાં થોડોક ગુસ્સો કર્યો પછી સમજાવતા કહ્યું, ‘વંદના તારે મોડા પડવાની આદતમાંથી ખરેખર છૂટવું છે? હું તને એક રસ્તો બતાવું. જ્યારે-જ્યારે તું ગમે ત્યાં મોડી પડે ત્યારે-ત્યારે મને સો રૂપિયા આપવાના. કબૂલ?’

વંદના બોલી ઊઠી, ‘અરે હું તો દર વખતે મોડી પડું છું. દર વખતે તને ૧૦૦ રૂપિયા આપું તો મારું દેવાળું નીકળી જાય?’

પૂજાએ કહ્યું, ‘જો આ જ દંડની અસર છે. દંડ પેટે તારે ૧૦૦ રૂપિયા ન ભરવા પડે એથી તું સજાગ રહીશ અને તારી સજાગતા તારી મોડા પડવાની ટેવમાં સુધારો લાવશે. પણ જો દંડની રકમ વધારે નહીં હોય તો અસર નહીં થાય.’ વંદના માની ગઈ.

બન્ને જણે નક્કી કર્યું જે રકમ ભેગી થાય એ દાનમાં આપી દેવી.

વંદના પહેલે અઠવાડિયે ચાર વાર મોડી પડી. ૪૦૦ રૂપિયા આપવા પડ્યા, પણ પછીના અઠવાડિયે બે વાર મોડી પડી. ૨૦૦ રૂપિયા આપવા પડ્યા. પણ ત્રીજા અઠવાડિયે તે બધે સમયસર પહોંચી ગઈ અને કોઈ દંડ આપવો ન પડ્યો. વળી પાછી ચોથે અઠવાડિયે એક વાર મોડી પડી ૧૦૦ રૂપિયા દંડ થયો.

ધીરે-ધીરે આખી જિંદગી તેને સતાવતી મોડા પડવાની ટેવ ચાર-પાંચ અઠવાડિયામાં તો સાવ નીકળી ગઈ. પછી તેને હળવાશ લાગવા માંડી.

વંદનાએ પોતાની બહેનપણી પૂજાનો આભાર માન્યો.

આપણા કોઈ વર્તન કે વલણ પ્રત્યે બેધ્યાન રહીએ તો વખત જતાં એ ટેવ બની જાય છે અને જો વધારે વખત એમ ચાલ્યા કરે તો એનું જોર વધતું જાય છે. એક વાર ખરાબ ટેવ પડી પછી એ છોડવી અશક્ય બની જાય એમ લાગે છે.

પણ મક્કમ નિર્ધાર સાથે જો સારી ટેવ કેળવવાની કોશિશ કરીએ તો સારી ટેવ કેળવી ખરાબ ટેવમાંથી છૂટી શકાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK