વર્ષો બાદ એક મિત્રને મળવાનું થયું. તેણે પૂછ્યું, ‘તમે પાદરીમાંથી ડૉક્ટર બન્યા તો લોકોને વધુ નક્કર રીતે મદદરૂપ થવાના ખ્યાલથી તમે આમ કર્યું હશે એમ લાગે છે.’
નિખાલસ ભાવે જવાબ આપતા ભૂતપૂર્વ પાદરીએ કહ્યું, ‘ના, એવું કંઈ નથી, આર્થિક કારણોસર હું પાદરી પદ છોડીને ડૉક્ટર બન્યો છું. મને મારા અનુભવ પરથી એમ લાગ્યું કે લોકો આત્માની સંભાળ લેવાની બાબત કરતાં શરીરની સંભાળ લેવાની બાબતને વધારે મહત્વ આપે છે અને વધારે ખર્ચ કરે છે. એટલે પાદરી પદ છોડીને ડૉક્ટર થવાનું મેં નક્કી કર્યું.’
વળી, થોડા વરસ બાદ એ જ મિત્ર ફરી વાર મળ્યા ત્યારે જાણવા મળ્યું કે પેલા ભૂતપૂર્વ પાદરી અને ડૉક્ટર હવે વકીલ બન્યા હતા.
‘આમ કરવાનું શું કારણ?’ મિત્રે નવાઈ પામીને પૂછ્યું.
ભૂતપૂર્વ પાદરી અને ડૉક્ટરે જવાબમાં કહ્યું, ‘આ વખતે પણ આર્થિક કારણ જ છે. મને જાણવા મળ્યું કે લોકો આત્મા કે શરીરની સંભાળ લેવા કરતાં પોતે સાચા છે એ સાબિત કરવા પાછળ વધુ ને વધુ ખર્ચ કરવા તૈયાર થાય છે.’
પેલા મિત્ર આ જવાબ સાંભળી વિચારમાં પડી ગયા. માનવ સ્વભાવની વિચિત્રતા વિશે તેમને ઘણા વિચાર આવ્યા. પોતાને અન્યાય થયો છે એમ માનતા લોકો ન્યાય મેળવવા મથે છે અને ન્યાય મળ્યો એવું ન લાગે ત્યારે સામાને અન્યાયી ગણી વ્યથિત થાય છે. એટલું જ નહીં પણ પોતે સાચા છે એ સાબિત કરવા માત્ર નાણાકીય જ નહીં બીજી ઘણી રીતે ખુવાર થાય છે.
સામો પક્ષ આપણી માફી માગે, દિલગીરી દર્શાવે એની રાહ જોઈએ છીએ. મનમાં ને મનમાં દુ:ખને એટલું બધું વાગોળીએ છીએ કે તે કોઈ ને કોઈ અલ્સર, બ્લડપ્રેશર, ડિપ્રેશન જેવી શારીરિક, માનસિક વ્યાધિમાં પરિવર્તિત થઈ જાય છે અને મનમાં એટલી કડવાશ કે રોષ ભરાઈ જાય કે મનની શાંતિ ખોઈ બેસીએ છીએ.
મિત્રએ પાદરી જોડે ચર્ચા આગળ વધારી કે, ‘આમ ન થાય એ માટે શું કરવું?’ પાદરીએ કહ્યું, ‘મારા અનુભવ પરથી લાગે છે. સાચા સાબિત થવાનું જતું કરવું અને એ નક્કી કરવું સાચા સાબિત થવું છે કે સુખી રહેવું છે? બન્ને શક્ય નથી.’
- હેતા ભૂષણ