કર્મ કરો, ફળની આશા છોડો (લાઇફ કા ફન્ડા)

Published: 11th November, 2014 05:48 IST

વસંતઋતુનું આગમન થઈ ચુક્યું હતું, પરંતુ કોયલ અને મોર ઉદાસ હતાં. કોયલનો ટહુકાર અને મોરનો ઝંકાર ગાયબ હતો. રાજા સિંહે કારણ શોધવા માટે કાગડાને કહ્યું.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

કાગડાએ તપાસ કરી તો ખબર પડી કે એક દિવસ મોર અને કોયલ ગામમાં ગયાં હતાં ત્યાં એક ઘરની બારીમાંથી ટેલિવિઝનમાં જોયું કે એક નૃત્યાંગના મોરનાં પીછાં પહેરીને નૃત્ય કરી રહી હતી અને ગાયિકા મધુર કંઠે ગાઈ રહી હતી. કાર્યક્રમની સમાપ્તિ પર બન્નેનું સન્માન કરવામાં આવ્યું. એ કાર્યક્રમ જોઈને બન્ને ઉદાસ થઈ ગયાં. મોર અને કોયલ વિચારવા લાગ્યાં કે અમે દિન-રાત મધુર વાણી અને મોહક અદાઓથી બધાનાં મનને આનંદ આપીએ છીએ, પરંતુ અમારી પ્રશંસા અને સન્માન તો કોઈ ક્યારેય નથી કરતું.

આ બધી વાત જાણ્યા બાદ કાગડાએ બન્ને પક્ષીઓને સમજાવ્યું કે ‘સૌથી વધુ અપમાનજનક રીતે અમને જોવામાં આવે છે. મારા ગુણોની અવગણના કરવામાં આવે છે. અમે આસપાસની ગંદકી સાફ કરીએ છે. અમે અન્ય પક્ષીઓની જેમ ઝઘડતાં નથી. અમારો ભાઈચારો પણ સૌથી સારો છે. અમે અમારા જાતભાઈનાં સુખ-દુ:ખમાં સહભાગી થઈએ છીએ. મિત્ર અને મહેમાનોના આવવાની સૂચના આપીએ છીએ છતાં લોકો અમારી કદર નથી કરતા છતાં અમે ગીતાના ઉપદેશ પ્રમાણે ફળની આશા રાખ્યા વિના અમારું કામ કરીએ છીએ.’

આટલું સમજાવી કાગડાએ મોર અને કોયલને પૂછ્યું, ‘શું તમે આજ સુધી પ્રશંસા અને પુરસ્કાર માટે નાચતાં અને ગાતાં હતાં? શું આ વાતાવરણને ખુશ રાખવા માટે તમારી મહત્વની ભૂમિકા નથી.’

કાગડાની આ સમજાવટ પછી કોયલ અને મોર ફરી નાચવા-ગાવા લાગ્યાં. આખા જંગલમાં ખુશી અને આનંદની લહેર દોડી ગઈ. બધાં પ્રાણીઓ આનંદમાં આવીને ઝૂમવા લાગ્યાં.

કાગડાએ કોયલ અને મોરને કહ્યું, ‘જોયું, તમારા નાચવા-ગાવાથી બધાં આનંદમાં આવી ગયાં. બધાંના આનંદનું તમે કારણ છો. આનાથી વધારે કયો પુરસ્કાર હોઈ શકે?’

બન્ને પંખીઓની આંખોમાં ખુશીનાં આસું આવી ગયાં. પ્રકૃતિએ આપણને સોંપેલું કર્મ કરવું જોઈએ, ફળની ચિંતા-આશા ન કરવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK