ખેડૂતનો અટલ વિશ્વાસ (લાઇફ કા ફન્ડા)

Published: 10th December, 2012 09:15 IST

બાદશાહ અકબર એક દિવસ જંગલમાં ફરી રહ્યા હતા. ભૂલા પડી ગયા. મોડું થઈ ગયું, તરસ સતાવવા માંડી, ભૂખ સતાવવા માંડી. એમ લાગ્યું કે જાણે પ્રાણ હોઠે આવી ગયા.


ત્યારે તેમણે એક ખેતર જોયું. એના કિનારે એક ખેડૂત ઊભો હતો. બાદશાહે ખેડૂતની પાસે જઈને કહ્યું, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’

ખેડૂતે કહ્યું, ‘હા છે, આવો બેસો.’

ખેડૂતે બાદશાહને પોતાની પાસેનો લૂખો સૂકો રોટલો ખવડાવ્યો. દૂરથી પાણી ભરી આવીને પાયું. ખાઈ પીને બાદશાહ પ્રસન્ન થયા.

ખેડૂતને દિલ્હી આવવાનું આમંત્રણ આપી તેમણે વિદાય લીધી.

આ બાબતને વર્ષો વીતી ગયા.

એક વર્ષે વરસાદ ન થયો.

ખેડૂતનું ખેતર સૂકાઈ ગયું. તેણે વિચાર્યું કે બાદશાહની પાસે જઈને કંઈ મદદ માગું.

ખેડૂત પોતાના ગામથી ચાલી રાજધાની દિલ્હી પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો બાદશાહની સવારી જઈ રહી હતી.

હાથી પર બેઠેલા બાદશાહ અકબરને તેણે બૂમ પાડી, ‘અકબરા એ અકબરા’ સાંભળનારા આર્યચકિત થઈ ગયા. સિપાઈઓ તેને પકડવા લાગ્યા.

બાદશાહ અકબરે તેને દૂરથી જોઈ ઓળખી લીધો અને તેને બોલાવીને હાથી પર બેસાડ્યો. મહેલમાં પોતાના ખંડમાં જ તેની રહેવાની વ્યવસ્થા કરી. પ્રેમથી ભોજન કરાવ્યું. તેના સૂઈ ગયા પછી તેઓ પોતે સૂતાં.

ખેડૂત સવારે ઊઠ્યો. તેણે જોયું તો બાદશાહ અકબર, કપડું બિછાવીને, ઘૂંટણભેર, હાથ ફેલાવીને, ઉપર જોઈ કંઈ બોલી રહ્યા હતા. બાદશાહ નમાઝ પઢી રહ્યા હતા.

થોડી વાર પછી ખેડૂતે પૂછ્યું, ‘તમે શું કરી રહ્યા હતા?’

બાદશાહે કહ્યું, ‘આર્શીવાદ માગતો હતો.’ ખેડૂતે પૂછ્યું, ‘કોની પાસે?’

બાદશાહે જવાબ આપ્યો, ‘ખુદા પાસે.’

ખેડૂત બોલ્યો, ‘ઠીક’ અને તરત

જ પોતાની લાકડી ઉપાડીને

ચાલી નીકળ્યો.

બાદશાહે પૂછ્યું, ‘અરે, તું ક્યાં જાય છે? અને એ તો કહે તું શા માટે આવ્યો હતો?’

ખેડૂતે કહ્યું, ‘બાદશાહ, હું તમારી મદદ માગવા આવ્યો હતો, પરંતુ અહીંયા આવીને જોયું. તમે પણ ખુદા પાસે માગો છો તો હું પણ તેની પાસેથી માગી લઈશ. તમારી પાસે નહીં માગું. મારી મદદ મારો ભગવાન કરશે.’

- હેતા ભૂષણ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK