હિંમતનો પ્રભાવ (લાઇફ કા ફન્ડા)

Published: Oct 09, 2014, 04:47 IST

એક ગામમાં હુલ્લડ થયું. બે પક્ષો મારવા-મરવા પર આવી ગયેલા. જાગ્રત નાગરિકોએ એક શાંતિ સમિતિની રચના કરીને એના પ્રમુખ તરીકે એક સારા નિષ્ઠાવાન કાર્યકર ભાઈને નીમ્યા.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

તેમણે સાફસૂફી અને સમજાવટનું કામ શરૂ કર્યું. હુલ્લડનું કારણ ધૂળ જેવું હતું. એ અસામાજિક તત્વોને પ્રેમથી સમજાવીને ઘરે મોકલવામાં આવ્યાં અને ફરી આવું વર્તન કરીને ગામનું વાતાવરણ ન બદલવાની તાકીદ કરવામાં આવી. એ ટોળકીમાં એક વાળંદ હતો. તેનું મન એવું વિકૃત કે તેને ગામમાં ફેલાયેલી શાંતિ બિલકુલ ન ગમી. તે ઠેર-ઠેર કહેવા લાગ્યો કે શાંતિ સમિતિનો પ્રમુખ જો મને મળી જાય તો તેને અસ્ત્રો મારીને પૂરો કરી દઈશ.

શાંતિ સમિતિના કાર્યકર ભાઈના કાને આ વાત આવતાં જ તે સીધા પેલા વાળંદની દુકાને ગયા અને પોતાની હજામત કરવાનું કહ્યું. પેલો વાળંદ તો કાર્યકર ભાઈની માગણી સાંભળીને ડઘાઈ ગયો અને માંડ-માંડ ધ્રૂજતા હાથે તેણે વાળ કાપ્યા, દાઢી કરી અને જ્યારે તે માથું ઓળી આપતો હતો ત્યારે જ પેલા ભાઈએ કહ્યું, ‘તું તો આખા ગામમાં કહેતો ફરે છે કે તું મારું ખૂન કરવાનો છે. હું અત્યારે સામેથી તારી પાસે આવ્યો છું. તારો અસ્ત્રો પચીસ વાર મારા ગળાની આસપાસ ફર્યો ત્યારે પણ તું ધ્રૂજે છે. તું તારું વચન નથી પાળી શક્યો માટે હવે આવી બડાશો મારવાનું બંધ કરજે.’

ઉઘાડી બજારે આવી જલદ ઘટના બની અને કાર્યકર ભાઈની આવી અજબ હિંમતનું ઉદાહરણ જોઈને લોકો ચકિત થઈ ગયા અને રહ્યુંસહ્યું ગુંડાતત્વ ચૂપ જ થઈ ગયું.

આ છે સાચી હિંમતનો પ્રભાવ. જીવનમાં જ્યારે પણ દુર્જનોનો, ખરાબ સંજોગોનો ત્રાસ વધવા લાગે અને તેમના હુમલા વાતાવરણમાં વીંઝાતા હોય ત્યારે ડરવું ન જોઈએ. અવરોધ, મુશ્કેલી, ખરાબ તત્વોથી ડરી જવા કરતાં; ક્યાંક ભાગી જવા કરતાં મનની બધી હિંમત દાખવીને સામા ધસી જવાથી, હૈયામાં હિંમત ભરીને સામી છાતીએ એનો સામનો કરવાથી રસ્તો એકદમ સરળ થઈ જાય છે. આપણે ડરીએ એના કરતાં હિંમત દાખવીએ તો ખુદ ડરને ડરી જઈને ભાગવું પડે છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK